ભારતમાં હોળીનો તહેવાર એટલે રંગો, મસ્તી અને અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ. વસંત ઋતુના આગમનને વધાવવા માટે આપણે એકબીજા પર ગુલાલ ઉડાડીએ છીએ, પણ શું તમે જાણો છો કે હોળીનો આ જાદુ માત્ર ભારત પૂરતો સીમિત નથી? વિશ્વના અનેક દેશોમાં હોળી જેવા જ ઉમંગ અને ઉત્સાહ સાથે વિવિધ તહેવારો ઉજવવામાં આવે છે. ક્યાંક લોકો પાણીથી રમે છે, તો ક્યાંક ટામેટા, સંતરા કે કાદવ ફેંકીને એકબીજા સાથે મસ્તી કરે છે. નામ અલગ છે, રીત અલગ છે, પણ ઉદ્દેશ્ય એક જ છે - ભાઈચારો અને સામૂહિક આનંદ. ચાલો જાણીએ દુનિયાના એવા ૭ અનોખા ફેસ્ટિવલ વિશે જે તમને ભારતની હોળીની યાદ અપાવી દેશે.
દુનિયાના અલગ-અલગ ખૂણે ઉજવાતા આ તહેવારો દર્શાવે છે કે માનવજાતને રંગો અને આનંદ સાથે કેટલો લગાવ છે. ભલે તે સ્પેન હોય, થાઈલેન્ડ હોય કે ઓસ્ટ્રેલિયા, લોકો પોતાની સંસ્કૃતિ મુજબ એકઠા થઈને તણાવ ભૂલીને મસ્તીમાં ડૂબી જાય છે.
1. સોંગક્રાન (થાઈલેન્ડ) - વિશાળ વોટર ફાઈટ
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી 'સોંગક્રાન' તરીકે થાય છે. તેને વિશ્વની સૌથી મોટી 'વોટર ફાઈટ' માનવામાં આવે છે. લોકો રસ્તા પર ઉતરીને પિચકારી અને ડોલ ભરીને એકબીજા પર પાણી છાંટે છે. આ પરંપરા પાછલા વર્ષની નકારાત્મકતાને ધોઈ નાખવાનું પ્રતીક છે.

2. બોર્યોંગ મડ ફેસ્ટિવલ (દક્ષિણ કોરિયા)
દક્ષિણ કોરિયાના ડેચોન બીચ પર દર વર્ષે જુલાઈમાં લોકો કાદવમાં કૂદે છે અને સ્લાઇડિંગ કરે છે. શરૂઆતમાં આ ઉત્સવ કાદવમાંથી બનેલી સ્કીનકેર પ્રોડક્ટ્સના પ્રચાર માટે શરૂ થયો હતો, પરંતુ આજે તે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

3. ચિંચિલા વોટરમેલન ફેસ્ટિવલ (ઓસ્ટ્રેલિયા)
ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં 'તરબૂચ' સાથે અનોખી હોળી રમાય છે. અહીં 'મેલન બુલ્સ આઈ' જેવી રમતો રમાય છે જેમાં લોકો એકબીજા પર તરબૂચ ફેંકે છે અથવા તેના પર લપસણી ખાય છે.
4. લા ટોમાટીના (સ્પેન) - ટામેટાનું યુદ્ધ
સ્પેનના બુન્યોલ શહેરમાં દર ઓગસ્ટમાં હજારો લોકો ભેગા થાય છે અને એકબીજા પર ૧૦૦ ટનથી વધુ પાકા ટામેટાં ફેંકે છે. આ ફેસ્ટિવલ જોવામાં ભારતની હોળી જેવો જ રંગીન અને મસ્તીભર્યો લાગે છે.
5. બેટલ ઓફ ધ ઓરેન્જિસ (ઈટાલી)
ઈટાલીના ઇવ્રિયા શહેરમાં ૧૮૦૮થી સંતરા ફેંકવાની પરંપરા ચાલી આવે છે. અહીં લગભગ ૪૦૦ ટન સંતરા એકબીજા પર ફેંકીને ઐતિહાસિક લડાઈની યાદમાં વિજય ઉત્સવ મનાવવામાં આવે છે.

6. હારો વાઈન ફેસ્ટિવલ (સ્પેન)
સ્પેનના હારો શહેરમાં 'બેટાલા ડેલ વિનો' તરીકે ઓળખાતા આ તહેવારમાં લોકો એકબીજા પર વાઈનનો છંટકાવ કરે છે. ઉનાળાની શરૂઆતમાં ઉજવાતો આ ઉત્સવ યાદગાર અનુભવ આપે છે.

7. કાસકામોરાસ (સ્પેન)
સ્પેનના ગુઆદિક્સ અને બાઝા શહેરમાં લોકો એકબીજા પર રંગ, પાવડર અને પેઇન્ટ લગાવીને આ ઉત્સવ મનાવે છે. ૧૪૯૦થી ચાલી આવતી આ પરંપરા સાંસ્કૃતિક ગૌરવ અને એકતાનું પ્રતીક છે.







