Home International Us Supreme Court Allows Guns In Private Businesses

હવે ઓફિસ, મોલ અને હોટેલમાં પણ ગન લઈ જઈ શકશે લોકો : અમેરિકાની સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

US Supreme Court
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: Jun 26, 2026, 04:27 AM IST

US Supreme Court: અમેરિકામાં હથિયારો રાખવાના અધિકારને લઈને ફરી એકવાર ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે હવાઈ રાજ્યના એવા કાયદાને રદ કરી દીધો છે, જેમાં લોકોને દુકાનો, હોટેલો અને અન્ય ખાનગી સ્થળોએ હથિયાર લઈ જવા માટે મિલકતના માલિકની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત હતી. કોર્ટના આ નિર્ણય બાદ હવે સામાન્ય રીતે લોકો ખાનગી વ્યવસાયિક સ્થળોએ પણ ગન લઈ જઈ શકશે, જો ત્યાં સ્પષ્ટ રીતે હથિયારો પર પ્રતિબંધ દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું ન હોય. સુપ્રીમ કોર્ટના 6 વિરુદ્ધ 3 મતોથી આવેલા આ ચુકાદાને અમેરિકામાં 'સેકન્ડ એમેન્ડમેન્ટ' હેઠળ મળતા હથિયાર રાખવાના અધિકારને વધુ મજબૂત બનાવતો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. આ નિર્ણયથી શોપિંગ મોલ, ઓફિસ, હોટેલ, પેટ્રોલ પંપ અને અન્ય ખાનગી પરંતુ જાહેર ઉપયોગ માટે ખુલ્લી જગ્યાઓમાં ગન લઈ જવાના નિયમોમાં મોટો ફેરફાર આવશે.

શું હતો હવાઈનો કાયદો?

હવાઈ સરકારે વર્ષ 2023માં એક કાયદો અમલમાં મૂક્યો હતો. આ કાયદા મુજબ કોઈપણ વ્યક્તિ જો ગન સાથે કોઈ ખાનગી મિલકત જેવી કે દુકાન, હોટેલ અથવા અન્ય જાહેર સ્થળે જવા માંગતી હોય તો તેને પહેલા મિલકતના માલિકની સ્પષ્ટ મંજૂરી લેવી જરૂરી હતી. આ નિયમને કેટલાક લોકો 'વેમ્પાયર રૂલ' તરીકે ઓળખાવતા હતા. કારણ કે લોકકથાઓ અનુસાર જેમ વેમ્પાયર કોઈ ઘરમાં પ્રવેશવા માટે આમંત્રણની જરૂર પડે છે, તેવી જ રીતે ગન ધારકોને પણ પરવાનગી લેવી પડતી હતી.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, આ પ્રકારનો કાયદો અમેરિકાના બંધારણના બીજા સુધારા (Second Amendment) હેઠળ મળેલા હથિયાર રાખવાના અધિકાર સાથે સુસંગત નથી. કોર્ટના નિર્ણય મુજબ હવે કોઈપણ વ્યક્તિ ખાનગી માલિકીની પરંતુ જાહેર ઉપયોગ માટે ખુલ્લી મિલકતમાં ગન લઈ જઈ શકે છે. જોકે જો મિલકતના માલિકે સ્પષ્ટ રીતે 'હથિયાર લાવવા મનાઈ છે' તેવું બોર્ડ લગાવ્યું હોય, તો તે સ્થળે ગન લઈ જવાની મંજૂરી નહીં મળે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં મળી શકે રાહત? : કાચા તેલની કિંમત 73 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી, ભારત માટે સારા સંકેત

ટ્રમ્પ પ્રશાસનને મળી મોટી જીત

આ કેસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રિપબ્લિકન પ્રશાસને હવાઈના કાયદાનો વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારનું કહેવું હતું કે આ કાયદો અમેરિકન નાગરિકોના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ટ્રમ્પ પ્રશાસન માટે મહત્વપૂર્ણ કાનૂની જીત તરીકે જોવામાં આવી રહ્યો છે.

2022ના ચુકાદા બાદ સતત વધી રહ્યા છે પડકારો

વર્ષ 2022માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જાહેર સ્થળોએ મોટાભાગના લોકોને ગન રાખવાનો અધિકાર હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ત્યારબાદ અમેરિકાના અનેક રાજ્યોમાં હથિયારો સંબંધિત વિવિધ પ્રતિબંધોને કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. હવાઈ સહિત ચાર જેટલા રાજ્યોએ ખાનગી મિલકતોમાં ગન પર નિયંત્રણ લાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ હવે આવા કાયદાઓ પણ કાનૂની પડકારોનો સામનો કરી રહ્યા છે.

કેટલાક પ્રતિબંધો હજુ પણ યથાવત

જો કે આ ચુકાદો તમામ પ્રકારના પ્રતિબંધો દૂર કરતો નથી. હવાઈમાં પાર્ક, બીચ અને દારૂ પીરસતી રેસ્ટોરન્ટ જેવી કેટલીક જગ્યાઓ પર ગન લઈ જવા પર હજુ પણ અલગ નિયમો લાગુ છે. આ નિયમો સામે પણ નીચલી અદાલતોમાં કાનૂની પડકાર ચાલી રહ્યો છે અને ભવિષ્યમાં તેના પર પણ સુપ્રીમ કોર્ટ નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો: તેહરાન માટે ભારતીય દૂતાવાસની તાત્કાલિક એડવાઇઝરી : ભારતીયોને ઈરાન પ્રવાસ ટાળવાની સલાહ, ઇમરજન્સી હેલ્પલાઇન જાહેર

તાજેતરમાં હથિયારો સંબંધિત અન્ય મહત્વના ચુકાદા

તાજેતરના વર્ષોમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે હથિયારોને લગતા અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે. કોર્ટે ઝડપી ફાયરિંગ માટે ઉપયોગમાં લેવાતા 'બમ્પ સ્ટોક્સ' પરનો પ્રતિબંધ રદ કર્યો હતો. બીજી તરફ ઘરેલુ હિંસાના આરોપીઓ સામેના ફેડરલ ગન કાયદાને યથાવત રાખ્યો હતો તેમજ 'ઘોસ્ટ ગન' તરીકે ઓળખાતા, સરળતાથી ટ્રેસ ન થઈ શકે એવા હથિયારો પરના કડક નિયમોને પણ સમર્થન આપ્યું હતું. હાલમાં કોર્ટ સમક્ષ એક અન્ય મહત્વનો કેસ પણ છે, જેમાં નિયમિત રીતે ગાંજો અથવા અન્ય નશીલા પદાર્થોનો ઉપયોગ કરતા લોકો હથિયાર રાખી શકે કે નહીં તે મુદ્દે સુનાવણી ચાલી રહી છે.

અમેરિકામાં ગન કાયદા પર ચર્ચા ફરી તેજ

સુપ્રીમ કોર્ટના નવા ચુકાદા બાદ અમેરિકામાં ફરી એકવાર ગન કંટ્રોલ અને નાગરિકોના બંધારણીય અધિકારો અંગે ચર્ચા તેજ બની છે. એક તરફ ગન અધિકારોના સમર્થકો આ નિર્ણયને બંધારણનું રક્ષણ ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ ગન નિયંત્રણની માંગ કરતી સંસ્થાઓએ જાહેર સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now