India joins US-led AI supply chain initiative with 35 countries: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે માત્ર ટેક્નોલોજી પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને ઔદ્યોગિક વિકાસનો મહત્વપૂર્ણ આધાર બની રહ્યું છે. AIના ઝડપી વિકાસ સાથે વિશ્વભરના દેશો હવે વિશ્વસનીય સેમિકન્ડક્ટર, ચિપ્સ અને ટેક્નોલોજી સપ્લાય ચેઇન તૈયાર કરવા પર ભાર મૂકી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતે પણ વૈશ્વિક AI ઇકોસિસ્ટમમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અમેરિકાના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા AI સપ્લાય ચેઇન સહયોગ અભિયાનમાં ભારત સહિત કુલ 35 દેશો જોડાયા છે. વોશિંગ્ટનમાં યોજાયેલી બીજી Pax Silica Summit દરમિયાન આ અંગે સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પહેલનો મુખ્ય હેતુ વિશ્વસનીય, સુરક્ષિત અને મજબૂત AI સપ્લાય ચેઇન ઉભી કરવાનો તેમજ સેમિકન્ડક્ટર, કમ્પ્યુટિંગ ક્ષમતા અને ટેક્નોલોજી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાનો છે.
શું છે Pax Silica પહેલ?
Pax Silica એ અમેરિકાના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલી વૈશ્વિક પહેલ છે, જેનો ઉદ્દેશ AI ટેક્નોલોજી માટે વિશ્વસનીય સપ્લાય ચેઇન વિકસાવવાનો છે. આ પહેલ હેઠળ વિવિધ દેશો AI માટે જરૂરી ચિપ્સ, સેમિકન્ડક્ટર, કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી નેટવર્કને વધુ મજબૂત બનાવવા સાથે મળીને કામ કરશે. અમેરિકાના આર્થિક બાબતોના અન્ડર સેક્રેટરી જેકબ હેલબર્ગે જણાવ્યું હતું કે AIનું ભવિષ્ય સૌથી પહેલા નિયમો બનાવનારા દેશો નહીં, પરંતુ સૌથી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચિપ્સ, કમ્પ્યુટિંગ ક્ષમતા અને પ્રતિભા વિકસાવનારા દેશો નક્કી કરશે.
ભારત તરફથી કોને કર્યું પ્રતિનિધિત્વ?
આ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણન, વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી (અમેરિકા) નાગરાજ નાયડુ તેમજ ભારતીય ઉદ્યોગોના પ્રતિનિધિઓએ કર્યું હતું. ભારતીય પ્રતિનિધિમંડળે વિવિધ દેશોના અધિકારીઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેક્નોલોજી સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: AI ખરેખર કેટલી નોકરીઓ લઈ રહ્યું છે? : કેલિફોર્નિયાએ રીઅલ-ટાઇમ જોબ લોસ ટ્રેકર લોન્ચ કર્યું
35 દેશોનો મળ્યો સાથ
આ પહેલમાં ભારત ઉપરાંત અમેરિકા, જર્મની, નેધરલેન્ડ્સ, આર્જેન્ટિના, ચિલી, કોસ્ટા રિકા, ગ્રીસ, કઝાકિસ્તાન, પનામા તેમજ યુરોપિયન યુનિયન સહિત કુલ 35 દેશો જોડાયા છે. આ દેશોએ AI Opportunity નામના સંયુક્ત ઘોષણાપત્રને સમર્થન આપ્યું છે, જેમાં નવીનતા, ખાનગી રોકાણ અને સુરક્ષિત ટેક્નોલોજી વિકાસને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
AIનું ભવિષ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિર્ભર રહેશે
જેકબ હેલબર્ગના જણાવ્યા મુજબ આગામી દાયકામાં AI ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે વધુ ઊર્જા, વધુ કમ્પ્યુટિંગ ક્ષમતા, વધુ ચિપ્સ, વધુ પ્રતિભાશાળી માનવબળ અને મજબૂત ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે. તેમણે જણાવ્યું કે, સરકારો અને ખાનગી ક્ષેત્ર સાથે મળીને એવી AI વ્યવસ્થા ઉભી કરશે, જે અર્થતંત્રને મજબૂત બનાવશે, નવીનતાને વેગ આપશે અને ઉદ્યોગસાહસિકોને વધુ તકો ઉપલબ્ધ કરાવશે.
ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે આ ભાગીદારી?
ભારત હાલમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન, AI ઇનોવેશન અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટા રોકાણ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં Pax Silica જેવી વૈશ્વિક પહેલમાં જોડાવાથી ભારતને અદ્યતન ટેક્નોલોજી, વૈશ્વિક ભાગીદારી અને સપ્લાય ચેઇન મજબૂત કરવામાં મદદ મળશે. નિષ્ણાતોના મતે, આ ભાગીદારી ભારતને AI ક્ષેત્રમાં વૈશ્વિક ઉત્પાદન અને સંશોધન હબ તરીકે ઉભરવામાં પણ મદદરૂપ બની શકે છે.
આ પણ વાંચો: હવે ઓફિસ, મોલ અને હોટેલમાં પણ ગન લઈ જઈ શકશે લોકો : અમેરિકાની સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
AI ક્ષેત્રમાં વધશે વૈશ્વિક સહયોગ
વિશ્વભરમાં AI ટેક્નોલોજી ઝડપથી વિકસી રહી છે. આવા સમયે વિશ્વસનીય સપ્લાય ચેઇન, સેમિકન્ડક્ટર ઉત્પાદન અને ટેક્નોલોજી સહયોગને મજબૂત બનાવવા માટે દેશો વચ્ચેનું આ સહકાર આગામી વર્ષોમાં AI ઉદ્યોગના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.



