California Launches AI Unemployment Tracker: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપી વિકાસે વિશ્વભરમાં કામ કરવાની પદ્ધતિમાં મોટા ફેરફારો લાવ્યા છે. અનેક કંપનીઓ હવે ઓટોમેશન અને AI આધારિત સિસ્ટમ્સ અપનાવી રહી છે, જેના કારણે કર્મચારીઓમાં નોકરી ગુમાવવાનો ભય સતત વધી રહ્યો છે. ખાસ કરીને ટેકનોલોજી, કસ્ટમર સપોર્ટ, ડેટા પ્રોસેસિંગ અને ઓફિસ આધારિત નોકરીઓમાં AIના વધતા ઉપયોગને કારણે રોજગાર પર તેની અસર અંગે ચર્ચા તેજ બની છે. આ વધતી ચિંતાને ધ્યાનમાં રાખીને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય સરકારે 'California AI-Unemployment Tracker' નામનું નવું ડિજિટલ ટૂલ લોન્ચ કર્યું છે, જે AIના કારણે થતી સંભવિત નોકરીની છટણી પર રિયલ ટાઈમમાં નજર રાખશે. સરકારનું કહેવું છે કે આ ટૂલ એક પ્રકારની 'અર્લી વોર્નિંગ સિસ્ટમ' તરીકે કામ કરશે અને AIના કારણે રોજગાર બજારમાં પડતી અસરનો સમયસર અંદાજ લગાવવામાં મદદરૂપ બનશે.
શું છે AI-Unemployment Tracker?
California AI-Unemployment Tracker એક વિશેષ ડેટા એનાલિટિક્સ સિસ્ટમ છે, જે વિવિધ વ્યવસાયોમાં AIના પ્રભાવનું મૂલ્યાંકન કરશે. આ સિસ્ટમ રાજ્યના માસિક બેરોજગારી વીમા (Unemployment Insurance)ના દાવા અને અલગ-અલગ વ્યવસાયોમાં AIથી થતી અસરના ડેટાનું વિશ્લેષણ કરીને નોકરી ગુમાવવાના વલણને ઓળખશે. આ ટૂલનો મુખ્ય હેતુ એ છે કે સરકારને સમયસર ખબર પડે કે કયા ક્ષેત્રમાં AIના કારણે રોજગારમાં ઘટાડો થઈ રહ્યો છે અને તે મુજબ નીતિગત પગલાં લઈ શકાય.
કેલિફોર્નિયા માટે આ પગલું શા માટે મહત્વનું છે?
કેલિફોર્નિયા માત્ર અમેરિકાનું સૌથી મોટું ટેક હબ જ નથી, પરંતુ વિશ્વની અનેક અગ્રણી AI કંપનીઓનું મુખ્ય કેન્દ્ર પણ છે. બીજી તરફ, રાજ્યમાં બેરોજગારીનો દર પણ અમેરિકામાં સૌથી વધુ હોવાનું માનવામાં આવે છે. AI ટેકનોલોજીના ઝડપી વિકાસ સાથે મોટા ડેટા સેન્ટરો, વધતા વીજ વપરાશ અને રોજગાર પર પડતી અસરને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે. તેથી રાજ્ય સરકાર હવે AIના પ્રભાવ પર સતત નજર રાખવા માટે આ નવી વ્યવસ્થા લાવી છે.
આ પણ વાંચો: હવે ઓફિસ, મોલ અને હોટેલમાં પણ ગન લઈ જઈ શકશે લોકો : અમેરિકાની સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
AIને કારણે વધી રહી છે નોકરી જવાની ચિંતા
છેલ્લા કેટલાક મહિનાઓમાં AIના કારણે નોકરીઓ પર જોખમ વધ્યું હોવાના અનેક અહેવાલો સામે આવ્યા છે. તાજેતરમાં Oracleએ AI આધારિત ઓટોમેશનના ભાગરૂપે આશરે 21,000 કર્મચારીઓની છટણીની પુષ્ટિ કરી હતી. આ ઘટનાએ ટેક ઉદ્યોગમાં AIના પ્રભાવ અંગે નવી ચર્ચા શરૂ કરી છે. વિવિધ અભ્યાસોમાં પણ જાણવા મળ્યું છે કે ઘણી કંપનીઓ હવે એન્ટ્રી-લેવલ કર્મચારીઓની ભરતીમાં ઘટાડો કરી રહી છે અને AI આધારિત સાધનોનો વધુ ઉપયોગ કરી રહી છે.
યુવાનોમાં પણ વધી રહી છે ચિંતા
AIને લઈને યુવાનોમાં પણ અસુરક્ષાની ભાવના જોવા મળી રહી છે. થોડા સમય પહેલા ગૂગલના પૂર્વ CEO એરિક શ્મિટ યુનિવર્સિટી ઓફ એરિઝોનાના દીક્ષાંત સમારંભમાં AI વિશે બોલી રહ્યા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ તેમની સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટના દર્શાવે છે કે, ભવિષ્યમાં રોજગારની તકો પર AIની અસરને લઈને યુવા વર્ગમાં પણ ચિંતા વધી રહી છે.
ચિંતા કાર્યસ્થળથી આગળ પણ પહોંચી
AIને લઈને ઉભી થયેલી ચિંતા માત્ર નોકરીઓ પૂરતી મર્યાદિત રહી નથી. અહેવાલો અનુસાર, એપ્રિલ મહિનામાં OpenAIના CEO સેમ ઓલ્ટમેનના સાન ફ્રાન્સિસ્કો સ્થિત નિવાસસ્થાન પર બે દિવસમાં બે વખત હુમલાનો પ્રયાસ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, એક 20 વર્ષીય શંકાસ્પદ વ્યક્તિએ તેમના ઘરના ગેટ પર મોલોટોવ કોકટેલ ફેંકી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીને ભય હતો કે AI ભવિષ્યમાં માનવજાત માટે જોખમ બની શકે છે.
સરકારો હવે સમયસર તૈયારી કરવા માંગે છે
AIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને વિશ્વભરની કંપનીઓ પોતાના કામકાજમાં આ ટેકનોલોજી અપનાવી રહી છે. આવી સ્થિતિમાં કેલિફોર્નિયાનો AI-Unemployment Tracker સરકારોને રોજગાર બજારમાં થતાં ફેરફારોને સમયસર સમજવામાં મદદ કરશે. નિષ્ણાતોના મતે, જો AIના કારણે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં મોટા પાયે નોકરીઓ પર અસર થતી હોય તો સરકારો સમયસર રી-સ્કિલિંગ, નવી તાલીમ અને રોજગાર સહાય જેવી નીતિઓ બનાવી શકશે. તેથી આ પહેલને AI યુગમાં રોજગાર સુરક્ષા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.



