જહાજ પર હુમલા બાદ સુરક્ષા ચિંતાઓ વધી; સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંસ્થાએ બચાવ અભિયાન તાત્કાલિક સ્થગિત કર્યું
વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોમાંના એક એવા હોર્મુઝ જળમાર્ગમાં વેપારી જહાજ પર થયેલા હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંસ્થા (IMO)એ ફસાયેલા હજારો ખલાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી તાત્કાલિક અસરથી સ્થગિત કરી છે. તાજેતરની ઘટનાએ આ વિસ્તારમાં દરિયાઈ સુરક્ષાને લઈને ફરી ગંભીર ચિંતા ઊભી કરી છે.
IMO દ્વારા થોડા દિવસ પહેલાં જ હોર્મુઝ જળમાર્ગમાં ફસાયેલા જહાજો અને અંદાજે 11 હજાર ખલાસીઓને સુરક્ષિત માર્ગ મારફતે બહાર કાઢવા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી હેઠળ અનેક જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં પણ સફળતા મળી હતી. જોકે તાજેતરના હુમલા બાદ સમગ્ર અભિયાનને અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હુમલા બાદ સુરક્ષાની સમીક્ષા
અહેવાલો મુજબ હુમલાનો ભોગ બનેલું જહાજ IMOના સત્તાવાર બચાવ માર્ગનો ભાગ નહોતું, છતાં ઘટનાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. IMOએ જણાવ્યું છે કે હાલની સુરક્ષા સ્થિતિની સમીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી બચાવ અભિયાન આગળ વધારવામાં આવશે નહીં.
તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલો ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે છે. જોકે હુમલા માટે જવાબદાર કોણ છે તે અંગે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
વૈશ્વિક વેપાર પર અસરની આશંકા
હોર્મુઝ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા અને વેપાર માર્ગોમાંનો એક છે. વૈશ્વિક કાચા તેલ અને ગેસનો મોટો હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે. તેથી અહીં સર્જાતી કોઈપણ અસ્થિરતા વૈશ્વિક ઊર્જા બજાર, શિપિંગ ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર સીધી અસર કરી શકે છે.
તાજી ઘટનાએ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા તાજેતરના સમજૂતી પ્રયાસો પર પણ સવાલો ઊભા કર્યા છે. હાલ સમગ્ર વિશ્વની નજર હોર્મુઝ વિસ્તારમાં આગળની સુરક્ષા સ્થિતિ અને દરિયાઈ પરિવહન ફરી ક્યારે સામાન્ય થશે તેના પર છે.




