India Toshakhana Auction Diplomatic Gifts Rolex Watches: ભારત સરકારના વિદેશ મંત્રાલયે પ્રથમ વખત સામાન્ય નાગરિકો માટે એક અનોખી તક ઉપલબ્ધ કરાવી છે. અત્યાર સુધી માત્ર સરકારી રેકોર્ડમાં જ રહેલી વિદેશી મહાનુભાવો દ્વારા ભારતીય અધિકારીઓને આપવામાં આવેલી કિંમતી ભેટો હવે જાહેર હરાજી માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ લોકો ઓનલાઈન ઈ-બિડિંગ દ્વારા Rolex ઘડિયાળ, ચાંદીની તલવાર, સોનાના દાગીના, Apple MacBook Pro, સ્ટર્લિંગ સિલ્વર ટી-સેટ અને અન્ય અનેક દુર્લભ વસ્તુઓ ખરીદી શકશે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આયોજિત આ હરાજી 8 જૂનથી શરૂ થઈ છે અને 30 જૂન 2026 સુધી ચાલુ રહેશે. હરાજીમાં આશરે 300 જેટલી રાજદ્વારી ભેટો અને સ્મૃતિચિહ્નો સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ વસ્તુઓ વર્ષો દરમિયાન વિદેશ પ્રવાસો અને સત્તાવાર કાર્યક્રમો દરમિયાન વિદેશી સરકારો અને મહાનુભાવોએ ભારતીય અધિકારીઓને ભેટરૂપે આપી હતી.
શું છે તોશાખાના?
'તોશાખાના' એ ભારત સરકારનું સત્તાવાર ભંડાર છે, જ્યાં વિદેશી સરકારો, રાષ્ટ્રપ્રમુખો અને અન્ય મહાનુભાવો દ્વારા ભારતીય સરકારી અધિકારીઓને સત્તાવાર મુલાકાતો દરમિયાન આપવામાં આવેલી ભેટો રાખવામાં આવે છે. તાજેતરમાં અમલમાં આવેલા તોશાખાના નિયમો-2024 બાદ હવે પ્રથમ વખત આ ભેટો સામાન્ય લોકો માટે જાહેર હરાજીમાં મૂકવામાં આવી છે. અગાઉ વર્ષ 1983માં એક વખત હરાજી યોજાઈ હતી, પરંતુ તે માત્ર વિદેશ મંત્રાલયના કર્મચારીઓ માટે મર્યાદિત હતી.
હરાજીમાં કઈ કિંમતી વસ્તુઓ સામેલ છે?
આ હરાજીમાં અનેક દુર્લભ અને કિંમતી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં Rolex Yacht-Master સિરીઝની બે લક્ઝરી ઘડિયાળો, ઓમાન તરફથી ભેટમાં મળેલી ચાંદીની કટાર (ડેગર), લંડનમાં બનેલો સ્ટર્લિંગ સિલ્વર ટી-સેટ, Apple MacBook Pro, ચાંદીની સુશોભન વસ્તુઓ, કુવૈતમાંથી મળેલા સોનાના દાગીના તેમજ સ્વિસ ગોલ્ડ બિસ્કિટ ધરાવતો ખાસ ડેકોરેટિવ સિલ્વર બોક્સ પણ સામેલ છે.
આ પણ વાંચો: 'જો દીકરી દોષિત હોય તો તેને પણ કિલ્લા પરથી નીચે ફેંકી દો' : સિયા ગોયલના માતા-પિતાએ જ માંગી કડકમાં કડક સજા
Rolex અને એન્ટિક સિલ્વર બોક્સ પર ભારે બોલી
વિદેશ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ હરાજીમાં સૌથી વધુ રસ 1980ના દાયકાના એક એન્ટિક સિલ્વર બોક્સમાં જોવા મળી રહ્યો છે. મૂળરૂપે સિગાર અથવા સિગારેટ કેસ તરીકે બનાવાયેલા આ કલેક્શન પીસ માટે રિઝર્વ કિંમત કરતાં ઘણી વધારે બોલીઓ મળી રહી છે. આ ઉપરાંત Rolex Yacht-Masterની બંને ઘડિયાળો, જેની પ્રારંભિક કિંમત લગભગ 16.5 લાખ રૂપિયા રાખવામાં આવી છે, તેના માટે પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બીજી તરફ લગભગ 9.5 લાખ રૂપિયાની રિઝર્વ કિંમત ધરાવતા કુવૈતી સોનાના દાગીનાં પર હરાજીના પ્રારંભિક તબક્કામાં કોઈ બોલી નોંધાઈ ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
હરાજી કેવી રીતે યોજાઈ રહી છે?
આ સમગ્ર હરાજી વિદેશ મંત્રાલયના Establishment Division હેઠળ કાર્યરત Toshakhana Section દ્વારા ઓનલાઈન ઈ-બિડિંગના માધ્યમથી યોજાઈ રહી છે.
દરેક વસ્તુની પ્રારંભિક કિંમત (Reserve Price) સરકારની મૂલ્યાંકન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવી છે. તેમાં પેકિંગ અને શિપિંગનો ખર્ચ પણ ઉમેરવામાં આવ્યો છે. 30 જૂન બાદ સફળ બોલીદારોને તેમની ખરીદેલી વસ્તુઓ નિઃશુલ્ક હોમ ડિલિવરી દ્વારા મોકલવામાં આવશે.
હરાજીની આવક ક્યાં જશે?
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હરાજીમાંથી મળનારી સમગ્ર રકમ ભારત સરકારના Consolidated Fund of Indiaમાં જમા કરાવવામાં આવશે. હાલની હરાજીમાં માત્ર વિદેશ સચિવ અને તેનાથી નીચેના હોદ્દા ધરાવતા હાલના સરકારી અધિકારીઓને સત્તાવાર પ્રવાસ દરમિયાન મળેલી ભેટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં યોજાનારી હરાજીઓમાં ભૂતપૂર્વ વિદેશ મંત્રીઓને મળેલી ભેટો પણ સામેલ કરવામાં આવી શકે છે.
કલેક્શન અને હેરિટેજ પ્રેમીઓ માટે અનોખી તક
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ હરાજીમાં સામેલ મોટાભાગની વસ્તુઓ ઉપયોગ માટે નહીં પરંતુ ઐતિહાસિક, રાજદ્વારી, હેરિટેજ અને કલેક્શનના દૃષ્ટિકોણથી મહત્વ ધરાવે છે. આ કારણે દુર્લભ વસ્તુઓ એકત્ર કરવાની રુચિ ધરાવતા લોકો માટે આ હરાજી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.





