RBI Online Fraud Compensation Rule 2027: દેશમાં UPI, નેટ બેન્કિંગ અને મોબાઇલ પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. તેની સાથે ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. એક ખોટી લિંક પર ક્લિક કરવું, ફેક KYC અપડેટ, OTP શેર કરવી અથવા કોઈ નકલી એપ ડાઉનલોડ કરવી જેવી નાની ભૂલ લાખો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે. અત્યાર સુધી આવા કિસ્સામાં પૈસા પરત મેળવવા માટે ગ્રાહકોને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું અને ઘણી વખત તેમને વળતર પણ મળતું નહોતું. આ સ્થિતિ બદલવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ડિજિટલ પેમેન્ટ ફ્રોડને લઈને નવું ફ્રેમવર્ક જાહેર કર્યું છે. આ નિયમો 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે. નવા નિયમો હેઠળ નિર્ધારિત શરતો પૂર્ણ કરનાર ગ્રાહકોને ઓનલાઈન છેતરપિંડીના કિસ્સામાં રૂ.25,000 સુધીનું વળતર મળી શકશે. સાથે જ બેન્કોને ફ્રોડ રોકવા માટે પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
કયા પ્રકારના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર લાગુ પડશે નિયમ?
RBIનું આ ફ્રેમવર્ક મોટાભાગના ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને આવરી લે છે. તેમાં UPI પેમેન્ટ, મોબાઇલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને અન્ય ડિજિટલ પેમેન્ટ માધ્યમોનો સમાવેશ થાય છે. આ નિયમ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, પેમેન્ટ બેન્ક, પ્રાદેશિક ગ્રામીણ બેન્ક અને લોકલ એરિયા બેન્ક સિવાયની મોટાભાગની કોમર્શિયલ બેન્કો માટે લાગુ થશે.
સમયસર ફરિયાદ કરશો તો મળશે વળતર
RBIના નવા નિયમ અનુસાર, જો ગ્રાહક કોઈ અનધિકૃત ડિજિટલ ટ્રાન્ઝેક્શન અથવા ઓનલાઈન ફ્રોડની જાણ પાંચ દિવસની અંદર પોતાની બેન્કને કરે છે, તો તે વળતર મેળવવા માટે પાત્ર બની શકે છે. વળતરનો નિર્ણય બેન્કની તપાસ અને ફ્રોડની પરિસ્થિતિના આધારે લેવામાં આવશે. એટલે કે માત્ર ફરિયાદ કરવાથી જ વળતર મળી જશે એવું નથી, પરંતુ તપાસમાં ગ્રાહકની યોગ્યતા સાબિત થવી જરૂરી રહેશે.
આ પણ વાંચો: Rolex ઘડિયાળથી MacBook સુધી... : સરકાર પહેલીવાર વેચી રહી છે વિદેશી મહેમાનોની કરોડોની ભેટો
ક્યારે મળશે સંપૂર્ણ રિફંડ?
જો તપાસમાં સામે આવે કે ફ્રોડ બેન્કની સિસ્ટમમાં રહેલી ખામી, સુરક્ષાની નબળાઈ અથવા બેન્કની બેદરકારીને કારણે થયો હતો, તો ગ્રાહકને સંપૂર્ણ રિફંડ મળી શકે છે. તે જ રીતે જો કોઈ પેમેન્ટ ગેટવે, ટેલિકોમ સર્વિસ અથવા અન્ય થર્ડ પાર્ટીની ભૂલના કારણે ફ્રોડ થયો હોય અને ગ્રાહકે સમયસર ફરિયાદ નોંધાવી હોય તો પણ સંપૂર્ણ વળતર મળવાની જોગવાઈ રાખવામાં આવી છે.
ગ્રાહકની ભૂલ હોય તો પણ મળશે રાહત
આ નવા ફ્રેમવર્કનો સૌથી મહત્વપૂર્ણ પાસો એ છે કે કેટલીક પરિસ્થિતિમાં ગ્રાહકની બેદરકારી હોવા છતાં પણ મર્યાદિત વળતર મળી શકે છે. જો કોઈ વ્યક્તિ ફિશિંગ લિંક પર ક્લિક કરી દે, OTP શેર કરી દે અથવા અન્ય કોઈ ભૂલને કારણે ફ્રોડનો ભોગ બને, તો તપાસ બાદ તેને વધુમાં વધુ રૂ.25,000 અથવા થયેલા નુકસાનના 85 ટકા પૈકી જે રકમ ઓછી હોય તે પ્રમાણે વળતર મળી શકે છે. આ લાભ જીવનમાં માત્ર એક જ વખત મળશે. ઉદાહરણ તરીકે જો કોઈ ગ્રાહકને રૂ.50,000નું નુકસાન થાય તો તેના 85 ટકા મુજબ રકમ રૂ.42,500 થાય છે, પરંતુ નિયમ મુજબ મહત્તમ મર્યાદા રૂ.25,000 હોવાથી તેને રૂ.25,000 સુધીનું જ વળતર મળશે.
ફરિયાદ ક્યાં નોંધાવવી?
ઓનલાઈન છેતરપિંડીની ઘટના બનતા જ ગ્રાહકે તરત પોતાની બેન્કનો સંપર્ક કરવો જોઈએ. ઉપરાંત નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવી શકાય છે. સમયસર ફરિયાદ કરવાથી બેન્કો શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને રોકવા અને પૈસા રિકવર કરવાનો પ્રયાસ કરી શકે છે.
AIની મદદથી ફ્રોડ પર કડક નજર રાખશે બેન્કો
RBIએ ડિજિટલ ફ્રોડ સામે લડવા માટે માત્ર વળતરની જોગવાઈ જ નથી કરી, પરંતુ બેન્કોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ અને આધુનિક રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ઝડપથી શોધવા માટે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવા ફ્રેમવર્કનો હેતુ માત્ર ફ્રોડ બાદ ગ્રાહકોને વળતર આપવાનો નથી, પરંતુ ફ્રોડ થાય તે પહેલાં જ તેને રોકવાનો પણ છે.
ગ્રાહકો માટે શું છે સૌથી મોટો સંદેશ?
ડિજિટલ પેમેન્ટ કરતી વખતે હંમેશા સાવચેત રહેવું જરૂરી છે. અજાણી લિંક પર ક્લિક ન કરવી, OTP અથવા PIN કોઈની સાથે શેર ન કરવો અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન દેખાય તો તરત જ બેન્કને જાણ કરવી. RBIના નવા નિયમો ગ્રાહકોને વધુ સુરક્ષા અને રાહત આપવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યા છે. જોકે વળતર મેળવવા માટે સમયસર ફરિયાદ નોંધાવવી અને બેન્કની તપાસમાં સહકાર આપવો અત્યંત જરૂરી રહેશે.





