Home Utilities Free Lpg Gas Cylinder Insurance 40 Lakh Claim Process Gujarati How To Claim Insurance On Lpg Cylinder Blast Accident

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે? : તો તમને પણ મળશે રૂ.40 લાખનો ફ્રી વીમો, જાણો કઈ રીતે કરી શકાય છે ક્લેમ

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે?
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 11:47 AM IST

નવી દિલ્હી: ભારતમાં લગભગ દરેક ઘરમાં રસોઈ બનાવવા માટે LPG સિલિન્ડરનો ઉપયોગ થાય છે. ભલે તે ઉજ્જવલા યોજના હોય કે સામાન્ય કનેક્શન, રાંધણ ગેસ આપણી જીવનશૈલીનો ભાગ છે. જો કે, ગેસનો ઉપયોગ કરતી વખતે ઘણીવાર લીકેજ કે સિલિન્ડર ફાટવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, દરેક ગેસ કનેક્શન સાથે ગ્રાહકને 40 લાખ રૂપિયા સુધીનો પર્સનલ એક્સિડન્ટ કવર (વીમો) મફત મળે છે? મોટાભાગના ગ્રાહકો આ સુવિધાથી અજાણ હોય છે, જેના કારણે અકસ્માતના સમયે તેઓ આર્થિક સહાય મેળવી શકતા નથી.

વાસ્તવમાં, ગ્રાહક જ્યારે ગેસ કનેક્શન લે છે, ત્યારે તેની સાથે જ એક પ્રકારની સુરક્ષા પોલિસી જોડાયેલી હોય છે. આ માટે ગ્રાહકે કોઈ અલગથી ફોર્મ ભરવાનું હોતું નથી કે કોઈ પ્રીમિયમ ચૂકવવાનું હોતું નથી. આ વીમો ગેસ કંપનીઓ દ્વારા ગ્રાહકની સુરક્ષા માટે લેવામાં આવે છે. જો ક્યારેય ગેસના સાધનોને કારણે કોઈ જાન-માલનું નુકસાન થાય, તો પીડિત પરિવાર આ પોલિસી હેઠળ ₹40 લાખ સુધીના વળતરનો દાવો કરી શકે છે. આજે અમે તમને જણાવીશું કે આ વીમો કોણ આપે છે અને તેની ક્લેમ પ્રક્રિયા શું છે.

વીમો કોણ આપે છે?

ભારતની અગ્રણી તેલ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ (Indane), ભારત પેટ્રોલિયમ (Bharat Gas) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP Gas) પોતાના તમામ કાયદેસરના ગ્રાહકો માટે 'પબ્લિક લાયબિલિટી પોલિસી' લે છે. આ પોલિસીનો હેતુ ગેસ અકસ્માતના કિસ્સામાં ગ્રાહકને થતા નુકસાનની ભરપાઈ કરવાનો છે. આ માટે ગ્રાહકની કોઈ પર્સનલ પોલિસી હોવી જરૂરી નથી, ગેસ કનેક્શન હોવું જ પૂરતું છે.

કેટલું વળતર મળી શકે?

LPG અકસ્માતના કિસ્સામાં વળતરની રકમ અકસ્માતની ગંભીરતા પર આધાર રાખે છે. જો દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થયું હોય તો વ્યક્તિ દીઠ નિર્ધારિત રકમની સહાય આપવામાં આવે છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ઘર કે મિલકતને નુકસાન થાય, તો તેના માટે પણ વળતર મળે છે. એક અકસ્માત દીઠ કુલ વળતરની મર્યાદા ₹40 લાખ સુધીની હોઈ શકે છે.

કેવી રીતે ક્લેમ કરી શકાય?

(1) એજન્સીને જાણ કરો: અકસ્માત થયા બાદ તરત તમારા ગેસ ડિસ્ટ્રીબ્યુટર (એજન્સી) ને લેખિતમાં જાણ કરો.

(2) પોલીસ ફરિયાદ (FIR): પોલીસ સ્ટેશનમાં જઈને અકસ્માતની FIR નોંધાવો. આ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે.

(3) તપાસ: ગેસ એજન્સી આ માહિતી ઓઈલ કંપની અને વીમા કંપનીને આપશે.

(4) જરૂરી દસ્તાવેજો: ક્લેમ સેટલમેન્ટ માટે ડેથ સર્ટિફિકેટ (જો લાગુ હોય), હોસ્પિટલના બિલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ રિપોર્ટની જરૂર પડે છે.

(5) સીધું પેમેન્ટ: ગ્રાહકે વીમા કંપની પાસે જવાની જરૂર નથી, કંપની પોતે જ આ પ્રક્રિયા પૂર્ણ કરી વળતર અપાવે છે.

ધ્યાન રાખવા જેવી બાબતો

વીમાનો લાભ લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવું અનિવાર્ય છે. જો તમે ગેસ એજન્સી દ્વારા માન્ય ન હોય તેવા ISI માર્ક વગરના પાઈપ કે રેગ્યુલેટર વાપરતા હશો, તો તમારો ક્લેમ નકારવામાં આવી શકે છે. આ ઉપરાંત, તમારું ગેસ કનેક્શન કાયદેસર હોવું જોઈએ અને સમયાંતરે તેનું ઇન્સ્પેક્શન થયેલું હોવું જોઈએ. હંમેશા સુરક્ષાના નિયમોનું પાલન કરો જેથી અકસ્માત ટાળી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now