વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય તણાવના કારણે ભારતમાં રાંધણ ગેસની અછત સર્જાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. 140 કરોડની જનસંખ્યા ધરાવતા દેશમાં જ્યારે ઈંધણ અને રસોડાના બજેટ પર અસર પડવાની વાત આવે ત્યારે સામાન્ય નાગરિકોમાં ચિંતા વધવી સ્વાભાવિક છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશથી આયાત કરે છે, પરંતુ કેન્દ્ર સરકાર અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બાબતે સતત દેખરેખ રાખી રહ્યા છે. સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગભરાવાની જરૂર નથી, કારણ કે દેશમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના તાજેતરના ડેટા મુજબ, ભારતમાં ઘરેલું LPG કનેક્શનની સંખ્યા 33 કરોડને વટાવી ગઈ છે. મોટાભાગના શહેરી પરિવારો પાસે ડબલ સિલિન્ડર કનેક્શન હોવાથી દેશમાં કુલ ગેસ સિલિન્ડરની સંખ્યા અંદાજે 66 કરોડથી પણ વધુ થાય છે. નોંધનીય છે કે વર્ષ 2014માં દેશમાં માત્ર 14.5 કરોડ કનેક્શન હતા, જે છેલ્લા 12 વર્ષમાં બમણાથી પણ વધી ગયા છે. આ પરિવર્તન પાછળ 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના'નો મોટો ફાળો છે, જેના અંતર્ગત 10.4 કરોડથી વધુ પરિવારોને ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.
સિલિન્ડર ઉપરાંત હવે શહેરોમાં પાઈપલાઈન દ્વારા ગેસ એટલે કે PNG પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાલમાં દેશના અંદાજે 1.5 કરોડ ઘરોમાં પાઈપલાઈનથી ગેસ સપ્લાય થઈ રહ્યો છે. આ સુવિધા અત્યારે મેટ્રો સિટીઝ પૂરતી મર્યાદિત છે, પરંતુ સરકાર તેને નાના શહેરો સુધી વિસ્તારવા માટે કાર્યરત છે. વાણિજ્યિક ક્ષેત્રે પણ 45 હજારથી વધુ હોટલ અને 20 હજારથી વધુ ઉદ્યોગો આ ઈંધણનો ઉપયોગ કરી રહ્યા છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે જ્યારે દરિયાઈ વેપાર માર્ગો પ્રભાવિત થાય છે, ત્યારે ભારત માટે પડકારો ચોક્કસ વધે છે. જોકે, સરકારે 'સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ' અને ગેસ કંપનીઓને પૂરતો બફર સ્ટોક રાખવા સૂચના આપી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારાની સીધી અસર સામાન્ય જનતા પર ન પડે તે માટે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. હાલમાં ગેસ એજન્સીઓ અને વિતરણ નેટવર્કને એલર્ટ પર રાખીને કાળાબજાર રોકવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.



















