New Income Tax Rules 2026: નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ટેક્સના નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા ઇનકમ ટેક્સના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે, જે 1એપ્રિલ, 2026થી અમલી બનશે. આ ફેરફારો ખાસ કરીને પગારદાર (Salaried) કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે તેમાં HRA, કાર વેલ્યુએશન અને બાળકોના શિક્ષણ ભથ્થા જેવા રોજિંદા જીવનને સ્પર્શતા મુદ્દાઓ પર નવા દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.
સરકારે Income Tax Rules, 2026 હેઠળ ટેક્સેશન ફ્રેમવર્કને વધુ સ્પષ્ટ અને પારદર્શક બનાવવાનો પ્રયાસ કર્યો છે. નવા નિયમો મુજબ, કંપની દ્વારા આપવામાં આવતી વિવિધ સુવિધાઓ જેવી કે ઈન્ટરનેટ, મોબાઈલ અને રિમોટ વર્કિંગ ખર્ચને અમુક મર્યાદા સુધી ટેક્સ ફ્રી રાખવામાં આવ્યા છે. જોકે, જૂની અને નવી ટેક્સ રિઝીમ પસંદ કરનારાઓ માટે નિયમો અલગ-અલગ રહેશે, જે સમજવા દરેક કરદાતા માટે અનિવાર્ય છે.
HRA અને ઘરભાડાના નિયમોમાં ફેરફાર
જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરનારા કરદાતાઓ માટે સારા સમાચાર છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરોમાં રહેતા કર્મચારીઓને હવે ૫૦% સુધી HRA (House Rent Allowance) માં છૂટ મળશે. અન્ય શહેરો માટે આ મર્યાદા 40% રાખવામાં આવી છે. જો તમારું વાર્ષિક ભાડું ૧ લાખ રૂપિયાથી વધુ હોય, તો તમારે મકાનમાલિકનો PAN કાર્ડ અને સરનામું આપવું ફરજિયાત રહેશે. નોંધનીય છે કે નવી ટેક્સ રિઝીમમાં HRAની છૂટ મળતી નથી.
બાળકોના શિક્ષણ ભથ્થામાં મોટો વધારો
મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારે બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ ભથ્થામાં ધરખમ વધારો કર્યો છે:
એજ્યુકેશન એલાઉન્સ: અત્યાર સુધી મળતા ₹100ના બદલે હવે પ્રતિ બાળક ₹3000 પ્રતિ મહિને (મહત્તમ ૨ બાળકો સુધી) છૂટ મળશે.
હોસ્ટેલ એલાઉન્સ: જે પહેલા ₹300 હતું, તે વધારીને હવે ₹9000 પ્રતિ મહિને કરવામાં આવ્યું છે. આ ફેરફારથી મધ્યમ વર્ગના વાલીઓને મોટી રાહત મળશે.
કાર અને ડ્રાઇવરના ઉપયોગ પર ટેક્સનું ગણિત
જો કંપની તમને કારની સુવિધા આપે છે, તો તેના પર લાગતા ટેક્સ (Perquisite Valuation) ના નિયમો બદલાયા છે:
કંપનીની કાર: 1.6 લિટર સુધીના એન્જિન માટે ₹5000 અને તેનાથી વધુ માટે ₹7,000 પ્રતિ માસ ટેક્સેબલ ગણાશે. જો ડ્રાઇવર હોય તો વધારાના ₹3000 ઉમેરાશે.
કર્મચારીની પોતાની કાર: જો કંપની પેટ્રોલ કે મેન્ટેનન્સનો ખર્ચ ભોગવે, તો એન્જિનની ક્ષમતા મુજબ ₹5000થી ₹7000 ની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
ગિફ્ટ, ભોજન અને અન્ય સેવાઓ પર ટેક્સ
ગિફ્ટ વાઉચર: વર્ષ દરમિયાન મળતી ગિફ્ટ કે વાઉચરની કુલ કિંમત જો ₹15,000 થી વધુ હશે, તો તે ટેક્સના દાયરામાં આવશે.
ઘરગથ્થુ સેવાઓ: કંપની દ્વારા અપાતા સફાઈકર્મી, માળી કે ચોકીદારનો ખર્ચ હવે કર્મચારી માટે ટેક્સેબલ ગણાશે.
ફૂડ બેનિફિટ: ઓફિસ અવર્સ દરમિયાન અપાતું ભોજન કે મીલ કૂપન્સ નક્કી કરેલી મર્યાદા સુધી ટેક્સ ફ્રી રહેશે.
ટેક્સ બચાવવા માટે જરૂરી દસ્તાવેજો
કરદાતાઓએ હવે ટેક્સ કપાત (Deductions) મેળવવા માટે વધુ સજાગ રહેવું પડશે. જો તમે હાઉસ પ્રોપર્ટી પર વ્યાજની છૂટ મેળવવા માંગતા હોવ, તો લોન આપનાર સંસ્થા કે વ્યક્તિનું નામ અને PAN આપવો પડશે. તેવી જ રીતે LTA (Leave Travel Allowance) માટે મુસાફરીના અસલ બિલો અને પુરાવા રજૂ કરવાના રહેશે.




















