Home Business Governments Before Ipl 2026 Digital Strike On 300 Plus Betting Apps And Websites

IPL 2026 પહેલા સરકારની 'સિક્સર' : 300થી વધુ બેટિંગ એપ્સ અને વેબસાઈટ બ્લોક, સટ્ટાબાજીના નેટવર્ક પર મોટો પ્રહાર

IPL 2026 પહેલા સરકારની 'સિક્સર'
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 05:47 AM IST

Crackdown on betting mafia: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન શરૂ થાય તે પહેલા ભારત સરકારે ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી અને જુગાર રમાડતા પ્લેટફોર્મ્સ વિરુદ્ધ અભિયાન તેજ કર્યું છે. આઈટી મંત્રાલય અને સંબંધિત વિભાગોએ સંયુક્ત કાર્યવાહી કરીને અંદાજે 300 જેટલી શંકાસ્પદ વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્લિકેશન્સને બ્લોક કરી દીધી છે. ઓનલાઇન ગેમિંગના નામે ચાલતા સટ્ટાના આ કાળા કારોબારને રોકવા માટે આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી દેશમાં ઓનલાઈન ગેમિંગના નામે છેતરપિંડી અને આર્થિક નુકસાનના કિસ્સાઓ વધતા સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ પ્લેટફોર્મ્સ માત્ર યુવાનોને દેવાના માર્ગે જ નહોતા ધકેલી રહ્યા, પરંતુ દેશની આંતરિક સુરક્ષા અને ડેટા પ્રાઈવસી માટે પણ જોખમ ઊભું કરી રહ્યા હતા. સરકારના આ પગલાથી IPL દરમિયાન સટ્ટો રમાડતી ટોળકીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કયા પ્લેટફોર્મ્સ પર પડી ગાજ?

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીમાં મુખ્યત્વે ઓનલાઈન સ્પોર્ટ્સ બેટિંગ સાઇટ્સ, ડિજિટલ કેસિનો અને પીઅર-ટુ-પીઅર (P2P) બેટિંગ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ્સ પર સ્લોટ મશીન, રૂલેટ અને લાઈવ ડીલર જેવી ગેમ્સ દ્વારા ગેરકાયદેસર રીતે પૈસા લગાવવામાં આવતા હતા. આ ઉપરાંત, જૂના સટ્ટા-મટકા નેટવર્કને ડિજિટલ રીતે ચલાવતી એપ્સ અને રિયલ-મની ગેમિંગના નામે છેતરપિંડી કરતી એપને પણ નિશાન બનાવવામાં આવી છે.

8,400થી વધુ વેબસાઇટ્સ અત્યાર સુધી બ્લોક

રિપોર્ટ મુજબ, ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં કુલ 8,400થી વધુ ગેરકાયદેસર વેબસાઇટ્સ અને એપ્સને બ્લોક કરી છે. નોંધનીય છે કે, ઓનલાઇન ગેમિંગ સંબંધિત નવા કાયદા અમલમાં આવ્યા પછી જ ૪,૯૦૦ જેટલા પ્લેટફોર્મ દૂર કરવામાં આવ્યા છે. સરકારનું આ કડક વલણ દર્શાવે છે કે હવે ડિજિટલ ઈન્ડિયામાં ગેરકાયદેસર જુગાર માટે કોઈ સ્થાન નથી.

શા માટે આ કાર્યવાહી અનિવાર્ય હતી?

ઓનલાઈન બેટિંગના રવાડે ચઢીને અનેક લોકોએ પોતાની જિંદગીની મૂડી ગુમાવી દીધી છે. ઘણા કિસ્સાઓમાં વિદેશી વેબસાઇટ્સ ભારતીય ગ્રાહકોના ડેટા ચોરી કરીને આર્થિક છેતરપિંડી કરતી હોવાનું પણ બહાર આવ્યું છે. આ પ્લેટફોર્મ્સ ઘણીવાર ટેક્સ ચોરી કરવા માટે વિદેશી સર્વરનો ઉપયોગ કરે છે, જેનાથી ભારતની અર્થવ્યવસ્થાને પણ નુકસાન થતું હતું. ગ્રાહકોની સુરક્ષા અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે આ ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક જરૂરી બની હતી.

IPL દરમિયાન કડક મોનિટરિંગ રહેશે

સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, આ અભિયાન અહીં અટકવાનું નથી. ખાસ કરીને IPL જેવી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ દરમિયાન સટ્ટાબાજીની નવી નવી લિંક્સ અને એપ્સ સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવે છે. આ તમામ પ્રવૃત્તિઓ પર સાયબર સેલની સતત નજર રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ પ્લેટફોર્મ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે, જેથી ઓનલાઈન ગેમિંગ સેક્ટરમાં પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now