Income Tax Rules for Gold in India: ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય? આ સવાલ હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. એક પરિવાર એક સાથે ઘરમાં કેટલું સોનું રાખી શકે? શું ઘરમાં 100 ગ્રામથી વધુ સોનું રાખવું બને છે ગુનો? આખરે સોના અંગેના આપણાં દેશમાં શું છે નિયમો અને આ અંગે શું કહે છે આવકવેરા વિભાગનું મેન્યુઅલ્સ? આ તમામ રોચક સવાલોના જવાબો આપણને આ આર્ટિકલમાં મળી જશે. ભારતમાં સોનું રાખવા અંગે આવકવેરા નિયમોને લઈને ઘણી વાર ગેરસમજ જોવા મળે છે. તાજેતરમાં ફરી એક વાર ચર્ચા ઉઠી છે કે જો ઘરમાં 100 ગ્રામથી વધુ સોનું હોય તો આવકવેરા વિભાગની નજર પડી શકે છે. વાસ્તવમાં, કાયદાકીય સ્થિતિ તેનાથી જુદી છે, જેને સમજવી ખૂબ જરૂરી છે.
વાસ્તવમાં ભારતમાં સોનું રાખવાની કોઈ નક્કી કાયદાકીય મર્યાદા નથી. એટલે કે, તમે તમારી આવક મુજબ ગમે તેટલું સોનું ખરીદી શકો છો અને પોતાના ઘરમાં પણ રાખી શકો છો. પરંતુ અહીં સૌથી મહત્વની બાબત છે સોનાનો સ્ત્રોત. જો તમારી પાસે રહેલું સોનું કાયદેસર રીતે ખરીદેલું છે અથવા યોગ્ય રીતે મળેલું છે, તો સામાન્ય રીતે કોઈ સમસ્યા થતી નથી. પરંતુ જો તમે કોઈપણ પ્રકારની કરવેરા ચોરી એટલેકે, કસ્ટમ્સ, એક્સાઈઝ કે ડ્યુટી ચોરી કરીને બીજા દેશમાંથી અહીં સસ્તું સોનું લાવ્યાં છો તો તમારે ફરજિયાત નિયમાનુસાર ટેક્સ પેમેન્ટ કરવું જ પડશે. નહીં તો તે કાયદેસરનો ગુનો બને છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા સર્ચ અને સીઝ કાર્યવાહી દરમિયાન કેટલીક ગાઇડલાઇન આપવામાં આવી છે. તેના મુજબ, પરીણિત મહિલાની પાસે 500 ગ્રામ સુધી, કુંવારી મહિલાની પાસે 250 ગ્રામ સુધી અને પુરુષ સભ્ય પાસે 100 ગ્રામ સુધી સોનું હોય તો તે સામાન્ય રીતે જપ્ત કરવામાં આવતું નથી, ભલે તેની પાસે તરત જ દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય. આ મર્યાદા “જપ્તીથી રાહત” માટે છે, સોનું રાખવાની મર્યાદા નથી.
જો કોઈ વ્યક્તિ અથવા પરિવાર પાસે આ મર્યાદાથી વધુ સોનું મળે, તો આવકવેરા અધિકારીઓ સોનાનો સ્ત્રોત પૂછે શકે છે. ખાસ કરીને જો સોનાની માત્રા વ્યક્તિની જાહેર કરેલી આવક કરતાં વધુ લાગે, તો તપાસ વધુ ગંભીર બની શકે છે. જોકે, ભારત જેવા દેશમાં લગ્ન, વારસો અને પરિવારિક ભેટોના કારણે ઘણીવાર લોકો પાસે વધારે સોનું હોવું સામાન્ય બાબત છે. આવા સમયે સૌથી મહત્વનું છે યોગ્ય દસ્તાવેજો. સોનાની ખરીદીના બિલ, બેંક અથવા ડિજિટલ પેમેન્ટના રેકોર્ડ, આવકના પુરાવા, વારસામાં મળેલા સોનાના દસ્તાવેજો વગેરે ખૂબ મદદરૂપ થાય છે. જો બિલ ઉપલબ્ધ ન હોય, તો રજિસ્ટર્ડ વેલ્યુઅરનો રિપોર્ટ, જૂના આવકના રેકોર્ડ અથવા લેખિત એફિડેવિટ દ્વારા પણ સ્ત્રોત સમજાવી શકાય છે.
સોનું ખરીદતી વખતે પણ કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આવકવેરા નિયમો અનુસાર, 2 લાખ રૂપિયા કે તેનાથી વધુની ખરીદી રોકડમાં કરી શકાતી નથી. આવી ખરીદી માટે PAN નંબર આપવો જરૂરી છે અને જ્વેલર્સ માટે KYC નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. આથી સ્પષ્ટ થાય છે કે સોનું રાખવાની કોઈ સખત મર્યાદા નથી, પરંતુ તેની પારદર્શકતા ખૂબ જ જરૂરી છે. યોગ્ય દસ્તાવેજો અને સ્ત્રોતની સ્પષ્ટતા રાખવાથી તમે કોઈપણ પ્રકારની આવકવેરા તપાસથી સરળતાથી બચી શકો છો.




















