Home Business Stock Market Closing Bell Sensex Fell 2497 Points To 74207 Nifty Closed At 776 Points Investors Lost Crores

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો : સેન્સેક્સ 2,497 પોઈન્ટ તૂટ્યો, રાતાપાણીએ રડ્યા રોકાણકારો

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 11:22 AM IST

Share Market Highlights: ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ અત્યંત આઘાતજનક રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં નબળા સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે દલાલ સ્ટ્રીટમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) બંનેમાં 3 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 2,497 પોઈન્ટના કડાકા સાથે 74,207 ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 776 પોઈન્ટ ગગડીને માંડ 23,000 ની સપાટી જાળવવામાં સફળ રહ્યો હતો. છેલ્લા બે વર્ષમાં ભારતીય બજારમાં જોવા મળેલો આ સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે.

બજારમાં ચોતરફ વેચવાલીનો માહોલ રહ્યો હતો, જેમાં ઓટો, બેન્કિંગ અને આઈટી સેક્ટરે ગાબડાં પાડ્યા હતા. બજારની નબળાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજે માર્કેટમાં 3,072 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા, જ્યારે તેની સામે માત્ર 999 શેરમાં જ સુધારો જોવા મળ્યો હતો. માર્કેટમાં વોલેટિલિટી ઈન્ડેક્સ (India VIX) પણ 21 ટકાથી વધુ ઉછળ્યો હતો, જે દર્શાવે છે કે રોકાણકારોમાં ગભરાટનો માહોલ છે. કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 117 ડોલરની નજીક પહોંચતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેરમાં પણ મોટું ધોવાણ થયું હતું.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો અને OMC શેરોમાં ગાબડાં

ભૌગોલિક રાજકીય તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવતા તેની સીધી અસર ભારતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પર પડી હતી. HPCL નો શેર 7 ટકાથી વધુ તૂટીને તેની 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. BPCL અને ઈન્ડિયન ઓઈલ (IOC) ના શેરોમાં પણ માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં 25 ટકા જેટલો જંગી ઘટાડો જોવા મળ્યો છે.

બેન્કિંગ સેક્ટરમાં તોફાની વેચવાલી: HDFC બેંક 5% તૂટી

બેન્કિંગ અને ફાઈનાન્શિયલ શેરોએ બજારને નીચે ખેંચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. HDFC બેંકના પાર્ટ-ટાઈમ ચેરમેન અતનુ ચક્રવર્તીના રાજીનામાના સમાચાર આવતા જ શેર 5 ટકાથી વધુ તૂટ્યો હતો. આ સિવાય બજાજ ફાઈનાન્સ અને શ્રીરામ ફાઈનાન્સ જેવા દિગ્ગજ શેરોમાં પણ 5 થી 7 ટકાનો કડાકો જોવા મળ્યો હતો. બેંક નિફ્ટી આજે 1,875 પોઈન્ટ ગગડીને 53,451 પર બંધ રહ્યો હતો.

ઓટો અને આઈટી સેક્ટરમાં લોહીની નદીઓ વહી

સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં 4.2 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. આઈટી સેક્ટરમાં પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) જેવી દિગ્ગજ કંપનીઓ તેની 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી હતી. રોકાણકારોએ આજે કોઈ પણ સેક્ટરને બાકાત રાખ્યા વગર પ્રોફિટ બુકિંગ અને વેચવાલી પર ભાર મૂક્યો હતો.

માત્ર ONGC એ બજારની લાજ બચાવી

આટલા મોટા કડાકા વચ્ચે પણ નિફ્ટી 50 ના માત્ર એક જ શેરમાં તેજી જોવા મળી હતી. કાચા તેલના ભાવ વધવાનો સીધો ફાયદો ONGC ને મળ્યો હતો, જેના કારણે તેનો શેર 1.55 ટકા વધીને 269.1 પર બંધ રહ્યો હતો. આ સિવાય મિડકેપમાં ઓઈલ ઈન્ડિયા અને એબોટ ઈન્ડિયા જેવા ગણ્યાગાંઠ્યા શેરોમાં જ ગ્રીન નિશાન જોવા મળ્યું હતું.

રોકાણકારો માટે ચિંતાનો વિષય

બજારમાં વોલેટિલિટી વધતા મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ 3 ટકા જેટલો ઘટાડો થયો હતો. એક્સપર્ટ્સનું માનવું છે કે જ્યાં સુધી વૈશ્વિક સ્થિતિમાં સુધારો નહીં થાય અને ક્રૂડના ભાવ સ્થિર નહીં થાય ત્યાં સુધી બજારમાં દબાણ ચાલુ રહી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now