Home Business Epfo Pf Interest Rate 8 25 Percent Approved How To Check Balance

PF ખાતાધારકો માટે સારા સમાચાર : સરકારની મંજૂરી બાદ 8.25% વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ

PF પર 8.25% વ્યાજ દર્શાવતી પ્રતિકારાત્મક છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: Jun 20, 2026, 02:30 AM IST

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો ખાતાધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રોવિડન્ટ ફંડ (PF) પર 8.25 ટકા વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ સાથે જ EPFO દ્વારા ખાતાધારકોના ખાતામાં વ્યાજની રકમ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારની મંજૂરી મળ્યા બાદ હવે ટૂંક સમયમાં જ દેશના આશરે 8 કરોડ સભ્યોના PF ખાતામાં વ્યાજની રકમ ક્રેડિટ થવા લાગશે.

EPFOના સભ્યો લાંબા સમયથી વ્યાજદર અંગેની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. હવે નાણાં મંત્રાલયની મંજૂરી મળતાં PF ખાતાધારકોને મોટી રાહત મળી છે. ખાસ કરીને નિવૃત્તિ માટે બચત કરતા કર્મચારીઓ માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

સરકારની મંજૂરી કેમ જરૂરી હતી?

EPFO દ્વારા દર વર્ષે PF પર આપવામાં આવનાર વ્યાજદર નક્કી કરવામાં આવે છે, પરંતુ તે અમલમાં આવે તે પહેલાં કેન્દ્ર સરકારની મંજૂરી ફરજિયાત હોય છે. કારણ કે EPFO યોજનામાં કેન્દ્ર સરકાર ગેરંટી આપનાર સંસ્થા તરીકે કાર્ય કરે છે.

EPFOના નિર્ણય લેતા સર્વોચ્ચ મંચ કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડ (CBT) દ્વારા 8.25 ટકા વ્યાજદરનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ નાણાં મંત્રાલયે આ દરને મંજૂરી આપતાં વ્યાજની રકમ ખાતામાં જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે લીલી ઝંડી આપી છે.

કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં 2 માર્ચ, 2026ના રોજ યોજાયેલી CBTની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. હવે તેની સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ થતાં સભ્યોના ખાતામાં વ્યાજ જમા થવાનું શરૂ થશે.

આ પણ વાંચો: મુકેશ અંબાણીની મોટી જાહેરાત! : Jio IPOને મળી લીલી ઝંડી, રોકાણકારોની નજર હવે લિસ્ટિંગ પર

સતત બીજા વર્ષે 8.25 ટકા વ્યાજ

છેલ્લા કેટલાક વર્ષોમાં PF પરની વ્યાજદર સમયાંતરે બદલાતી રહી છે. જોકે છેલ્લા બે નાણાકીય વર્ષથી 8.25 ટકા વ્યાજદર યથાવત રાખવામાં આવી છે. EPFOના આંકડા મુજબ વર્ષ 2015-16માં વ્યાજદર 8.80 ટકા હતી. ત્યારબાદ 2016-17માં 8.65 ટકા, 2017-18 અને 2018-19માં 8.55 ટકા, 2019-20 અને 2020-21માં 8.50 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું.

વર્ષ 2021-22માં વ્યાજદર ઘટીને 8.10 ટકા થઈ હતી, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી નીચી ગણાતી હતી. ત્યારબાદ 2022-23માં 8.15 ટકા અને 2023-24માં 8.25 ટકા વ્યાજદર જાહેર કરવામાં આવી હતી. 2024-25 અને હવે 2025-26માં પણ 8.25 ટકા વ્યાજદર જાળવી રાખવામાં આવી છે.

PF ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે?

કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ EPFO દ્વારા વ્યાજની ગણતરી અને ખાતામાં જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે મંજૂરી બાદ આગામી કેટલાક અઠવાડિયામાં વ્યાજની રકમ ખાતામાં ક્રેડિટ થઈ જાય છે. એકવાર વ્યાજ જમા થઈ જાય પછી સભ્યો પોતાની ઇ-પાસબુકમાં તેની વિગતો જોઈ શકશે. EPFO દ્વારા વ્યાજ ક્રેડિટની પ્રક્રિયા તબક્કાવાર રીતે પૂર્ણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બિઝનેસ કરવાની સુવર્ણ તક : દુકાન કે આઉટલેટ કેવી રીતે મળશે? જાણો સમગ્ર પ્રક્રિયા

ઓનલાઈન કેવી રીતે ચેક કરશો PF બેલેન્સ?

EPFOના સભ્યો ઘરે બેઠા પોતાના PF ખાતાનું બેલેન્સ સરળતાથી ચેક કરી શકે છે. તેના માટે EPFOની સત્તાવાર વેબસાઇટ પર જઈને E-Passbook સેવા ઉપયોગમાં લઈ શકાય છે. સભ્યોએ પોતાની UAN (Universal Account Number) અને પાસવર્ડ દ્વારા લોગિન કરવું પડે છે. ત્યારબાદ Member ID પસંદ કરતાં PF ખાતાની સંપૂર્ણ વિગતો અને ઉપલબ્ધ બેલેન્સ જોઈ શકાય છે. આ સુવિધા દ્વારા સભ્યો પોતાના ખાતામાં જમા થયેલી રકમ, કર્મચારી અને નિયોજકનું યોગદાન તેમજ વ્યાજની માહિતી મેળવી શકે છે.

મિસ્ડ કોલથી પણ મળશે માહિતી

જે સભ્યો પાસે ઇન્ટરનેટની સુવિધા ન હોય તેઓ મિસ્ડ કોલ દ્વારા પણ PF બેલેન્સ જાણી શકે છે. EPFOમાં નોંધાયેલા મોબાઇલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપતાં થોડા જ સમયમાં બેલેન્સ સંબંધિત માહિતી SMS દ્વારા મળી જાય છે. આ સેવા સંપૂર્ણપણે મફત છે અને તેમાં કોઈ વધારાનો ચાર્જ લાગતો નથી.

આ પણ વાંચો: રામમંદિર બાદ હવે કર્ણાટકના પ્રસિદ્ધ મંદિરમાં દાનચોરી : મુખ્ય પૂજારી સહિત 6 સસ્પેન્ડ, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલો

SMS દ્વારા પણ જાણી શકશો બેલેન્સ

EPFOના સભ્યો SMS સેવા દ્વારા પણ પોતાના PF ખાતાની વિગતો મેળવી શકે છે. તેના માટે નોંધાયેલા મોબાઇલ નંબર પરથી 7738299899 પર “EPFOHO UAN” લખીને SMS મોકલવો પડે છે. જો સભ્યને માહિતી ગુજરાતી અથવા અન્ય ભાષામાં જોઈએ તો ભાષા કોડ ઉમેરી શકાય છે. ઉદાહરણ તરીકે હિન્દી માટે “EPFOHO UAN HIN” લખીને SMS મોકલવાથી માહિતી હિન્દીમાં પ્રાપ્ત થાય છે. થોડી જ વારમાં જવાબી SMS દ્વારા PF બેલેન્સ અને અન્ય મહત્વપૂર્ણ વિગતો મળી જાય છે.

કરોડો કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય

દેશના કરોડો સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે PF નિવૃત્તિ પછીની સૌથી મહત્વપૂર્ણ બચત યોજનાઓમાંની એક છે. 8.25 ટકા વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય લાંબા ગાળાના રોકાણકારો માટે સકારાત્મક માનવામાં આવી રહ્યો છે. હવે EPFO સભ્યોની નજર તેમના ખાતામાં વ્યાજની રકમ ક્યારે જમા થાય છે તેના પર રહેશે. સરકારની મંજૂરી બાદ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી ટૂંક સમયમાં જ કરોડો ખાતાધારકોને તેનો સીધો લાભ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now