Karnataka Yoga Narasimha Swamy Temple Donation Theft: દેશના જાણીતા ધાર્મિક સ્થળોને લઈને છેલ્લા કેટલાક સમયથી દાન અને સુરક્ષા વ્યવસ્થાને લગતા પ્રશ્નો ચર્ચામાં રહ્યા છે. અયોધ્યાના રામમંદિર સાથે જોડાયેલા દાન વ્યવસ્થાના મુદ્દા બાદ હવે કર્ણાટકના માંડ્યા જિલ્લામાં આવેલા ઐતિહાસિક યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનપાત્રમાંથી ચોરીનો મામલો સામે આવતા ભક્તોમાં ચિંતા વ્યાપી છે. મંદિરની હુન્ડીમાંથી દાનની રકમ ગાયબ થવાના આક્ષેપો બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને પ્રાથમિક તપાસના આધારે મુખ્ય પૂજારી સહિત છ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મેલુકોટ સ્થિત યોગ નરસિમ્હા સ્વામી મંદિર કર્ણાટકના સૌથી પ્રાચીન અને લોકપ્રિય વૈષ્ણવ તીર્થસ્થાનોમાંનું એક માનવામાં આવે છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે પહોંચે છે અને મંદિરને દાન પણ અર્પણ કરે છે. આવા પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળે દાનપાત્રની સુરક્ષા અંગે સવાલો ઊભા થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સુરક્ષા અને વહીવટી બેદરકારીને ગણાવવામાં આવી જવાબદાર
મંદિર વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, હાલ સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓ સામે સીધી ચોરીના આરોપો સાબિત થયા નથી. જોકે, મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર બેદરકારી અને ફરજ નિભાવવામાં થયેલી ચૂકને ધ્યાનમાં રાખીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. માંડ્યાના ડેપ્યુટી કમિશનરે સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી તાત્કાલિક અહેવાલ માંગ્યો હતો. ત્યારબાદ મંદિરના કાર્યકારી અધિકારી દ્વારા પ્રાથમિક તપાસના આધારે જવાબદાર ગણાયેલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુખ્ય પૂજારી સહિત 6 કર્મચારીઓ સામે કાર્યવાહી
મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં મુખ્ય પૂજારી સહિત સુરક્ષા અને વહીવટી વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે. સસ્પેન્ડ કરાયેલા લોકોમાં મુખ્ય પૂજારી નારાયણ ભટ્ટ, પ્રશાસનિક કર્મચારીઓ શ્રીધર, તિરુવેંકટાચાર અને કસ્તૂરી શ્રીનિવાસન ઉપરાંત સુરક્ષા ગાર્ડ ગંગાધર અને બસવરાજૂનો સમાવેશ થાય છે. વહીવટીતંત્રનું માનવું છે કે, દાનપાત્રની સુરક્ષા અને દેખરેખમાં થયેલી બેદરકારીના કારણે આ ઘટના બની હોઈ શકે છે, જેના કારણે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની જરૂરિયાત ઉભી થઈ હતી.
CCTV અને સુરક્ષા વ્યવસ્થા છતાં કેવી રીતે થઈ ચોરી?
આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આધુનિક સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરા અને સુરક્ષાકર્મીઓની હાજરી છતાં દાનપાત્રમાંથી ચોરી કેવી રીતે શક્ય બની? મંદિરમાં દરરોજ મોટી માત્રામાં દાન એકત્રિત થતું હોવાથી તેની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમ છતાં આ ઘટના સામે આવતા સુરક્ષા પ્રોટોકોલ અને દેખરેખની વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. તપાસ એજન્સીઓ હાલ સીસીટીવી ફૂટેજ, દાનપાત્રની ગણતરી પ્રક્રિયા, સુરક્ષા રજિસ્ટર અને કર્મચારીઓની ફરજ સંબંધિત તમામ વિગતોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: રામ મંદિરના દાન વિવાદ બાદ સરકાર એક્શનમાં : ટ્રસ્ટમાં CEOની નિમણૂકની તૈયારી
પોલીસ અને વહીવટી તપાસ ચાલુ
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ અને વહીવટી અધિકારીઓ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન દાનપાત્રની વ્યવસ્થા, નાણાંની હેરફેર અને સુરક્ષા સંબંધિત તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, તપાસ પૂર્ણ થયા બાદ જો કોઈ વ્યક્તિની સીધી સંડોવણી સામે આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
ભક્તોમાં ચિંતા, પારદર્શક તપાસની માંગ
આ ઘટનાના સમાચાર સામે આવતા ભક્તોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ઘણા ભક્તોએ મંદિરની દાન વ્યવસ્થા વધુ પારદર્શક બનાવવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની માંગ કરી છે. યોગ નરસિમ્હા સ્વામી મંદિર માત્ર કર્ણાટક જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ભારતના ભક્તો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. તેથી આ કેસની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તપાસનો આખરી અહેવાલ આવ્યા બાદ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે અને જવાબદારો સામે વધુ કડક પગલાં લેવાઈ શકે છે.






