Home Business Ordering Food Expensive Zomato Hikes Fooddelivery Platform Fees

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું! : Zomato એ પ્લેટફોર્મ ફીમાં કર્યો જબરદસ્ત વધારો, જાણો હવે કેટલો લાગશે ચાર્જ

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું!
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 11:48 AM IST

Zomato: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધી રહેલા તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતોની અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર સીધી રીતે જોવા મળી રહી છે. એક તરફ જ્યાં તેલ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે, તો બીજી તરફ ઓનલાઇન ફૂડ ડિલિવરી દિગ્ગજ કંપની Zomatoએ પણ તેના પ્લેટફોર્મ ચાર્જમાં વધારો કરીને ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે.

પ્લેટફોર્મ ફીમાં ₹2.40 નો વધારો

Zomato એ દરેક ઓર્ડર પર લેવામાં આવતી પ્લેટફોર્મ ફીમાં ₹2.40 નો વધારો કર્યો છે. આ વધારા બાદ પ્લેટફોર્મ ફી હવે ₹12.50 થી વધીને ₹14.90 (GST સિવાય) થઈ ગઈ છે. નોંધનીય છે કે આ પ્લેટફોર્મ ફી ફૂડની કિંમત, ડિલિવરી ચાર્જ અને GST ઉપરાંત લેવામાં આવે છે. કંપનીનો આ નિર્ણય 20 માર્ચ, 2026 થી અમલમાં આવી ગયો છે.

વધારા પાછળના મુખ્ય કારણો

મિડલ ઈસ્ટમાં તણાવને કારણે ઈંધણ અને ગેસના પુરવઠા પર અસર પડી છે. તાજેતરમાં જ કોમર્શિયલ અને ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે, જેની અસર રેસ્ટોરન્ટ અને ડિલિવરી ખર્ચ પર પડી રહી છે. કંપની તેના યુનિટ ઇકોનોમિક્સ અને માર્જિનમાં સુધારો કરવા માટે સમયાંતરે આ ફીમાં વધારો કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, Zomato ને દરરોજ સરેરાશ 20 થી 25 લાખ ઓર્ડર મળે છે. પ્લેટફોર્મ ફીમાં ₹2.40 ના વધારાથી કંપનીની દૈનિક કમાણીમાં આશરે ₹48 લાખથી ₹50 લાખ સુધીનો વધારો થઈ શકે છે.

Swiggy અને સ્પર્ધાત્મક માહોલ

સામાન્ય રીતે જોવા મળ્યું છે કે Zomato અને તેની હરીફ કંપની Swiggy પ્લેટફોર્મ ફીના બાબતમાં એકબીજાને અનુસરે છે. હાલમાં Swiggy પણ ટેક્સ સાથે આશરે ₹14.99 જેટલી પ્લેટફોર્મ ફી વસૂલી રહી છે. બીજી તરફ, માર્કેટમાં નવા ખેલાડી તરીકે Rapidoએ તેની ફૂડ ડિલિવરી સેવા 'Ownly' બેંગલુરુમાં લોન્ચ કરી છે, જે ગ્રાહકો કે રેસ્ટોરન્ટ પાસેથી કોઈ વધારાની પ્લેટફોર્મ ફી ન લેવાનો દાવો કરી રહી છે. જોકે ₹2.40 નો વધારો નાનો લાગે છે, પરંતુ વારંવાર ઓર્ડર કરતા ગ્રાહકો માટે મહિનાના અંતે આ બોજ નોંધપાત્ર બની શકે છે. ખાસ કરીને જ્યારે પેટ્રોલ અને ગેસના ભાવ પણ વધી રહ્યા હોય ત્યારે મધ્યમ વર્ગના બજેટ પર આની બેવડી અસર જોવા મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now