Home Business Stock Market Bounces Back Strongly Sensex Jumps 800 Points Adani Shares See Wild Rally

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક : સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, અદાણીના શેરોમાં તેજીની તોફાની બેટિંગ, IT અને બેંકિંગ શેરો પણ ચમક્યા

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 04:57 AM IST

Sensex Today: ભારતીય શેરબજારમાં ગુરુવારે જોવા મળેલી સુનામી બાદ આજે શુક્રવારે રોકાણકારો માટે 'મંગળકારી' સવાર પડી છે. ગઈકાલે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની આશંકા અને ક્રૂડ ઓઈલના ભડકા વચ્ચે રોકાણકારોના અંદાજે 12 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા હતા. જોકે, આજે 20 માર્ચના રોજ બજાર ખુલતાની સાથે જ તેજીવાળાઓએ કમાન સંભાળી લીધી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ મજબૂત લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જેના કારણે રોકાણકારોએ ગુમાવેલી મૂડી ધીરે ધીરે પરત આવી રહી હોય તેવો માહોલ સર્જાયો છે. આજના કારોબારની શરૂઆતમાં જ સેન્સેક્સમાં 880 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 23,200ની સપાટી વટાવી ગઈ હતી. બજારમાં આ રિકવરી પાછળ વૈશ્વિક સંકેતોમાં સુધારો અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો ઘટાડો મુખ્ય કારણ માનવામાં આવે છે.

સેક્ટરોમાં ચોમેર હરિયાળી: બેંકિંગ અને IT શેરોમાં ધૂમ ખરીદી

આજે બજારમાં માત્ર ગણ્યાગાંઠ્યા શેરો જ નહીં, પરંતુ લગભગ તમામ સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. ખાસ કરીને સરકારી બેંકો (PSU Banks), IT અને મેટલ સેક્ટરના શેરોમાં રોકાણકારોનો ભારે રસ જોવા મળી રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ 1.5% થી વધુની તેજી નોંધાઈ છે, જે દર્શાવે છે કે નાના રોકાણકારોનો ભરોસો ફરી પરત ફર્યો છે.

અદાણી ગ્રુપના શેરોમાં તેજીનું કમબેક

ગઈકાલના ઘટાડા બાદ આજે અદાણી ગ્રુપના શેરોમાં ફરી રોનક જોવા મળી છે. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ સહિત અદાણી ગ્રીન અને અદાણી પાવરમાં 2% થી 3.5% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

  • અદાણી એનર્જી સોલ્યુશન્સ: 3.49% નો જોરદાર ઉછાળો.

  • અદાણી ગ્રીન: ₹881 ની સપાટીએ 3% થી વધુ તેજી.

  • અદાણી પોર્ટ્સ: ₹1,379 ની આસપાસ મજબૂત ટ્રેડિંગ.

બજારમાં આ 'બાઉન્સ બેક' પાછળના 4 મુખ્ય કારણો

  1. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો: બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 3% થી વધુનો ઘટાડો નોંધાતા $104ની આસપાસ પહોંચ્યા છે. ભારત માટે સસ્તું તેલ હંમેશા પોઝિટિવ સમાચાર હોય છે.

  2. યુદ્ધનું ટેન્શન હળવું થયું: મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતું તણાવ ઓછું કરવા માટે અમેરિકાના પ્રયાસો સફળ થતા દેખાતા વૈશ્વિક બજારોએ રાહતનો શ્વાસ લીધો છે.

  3. DII નો મજબૂત ટેકો: ભલે વિદેશી રોકાણકારો (FIIs) એ ગઈકાલે મોટી વેચવાલી કરી હોય, પરંતુ ભારતીય સંસ્થાકીય રોકાણકારોએ (DIIs) અંદાજે ₹3,864 કરોડની ખરીદી કરીને બજારને ટેકો આપ્યો છે.

  4. નીચલા સ્તરે ખરીદી: ગઈકાલના ભારે ઘટાડા બાદ બ્લુ-ચિપ શેરો આકર્ષક ભાવે ઉપલબ્ધ હતા, જેના કારણે મ્યુચ્યુઅલ ફંડ્સ અને મોટા રોકાણકારોએ નીચા ભાવે મોટાપાયે ખરીદી શરૂ કરી છે.

ગઈકાલની ભયાનકતા બાદ રાહત

યાદ અપાવી દઈએ કે 19 માર્ચ, ગુરુવારના રોજ શેરબજારમાં કાળો કહેર વર્તાયો હતો. સેન્સેક્સ લગભગ 2,500 પોઈન્ટ તૂટી ગયો હતો, જે તાજેતરના સમયનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. પરંતુ આજે બજાર જે રીતે રિકવર થયું છે તે જોતા વિશ્લેષકો માની રહ્યા છે કે જો વૈશ્વિક સ્થિતિ સ્થિર રહેશે તો બજાર ટૂંક સમયમાં નવી ઐતિહાસિક સપાટી સર કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now