દિવાળી હવે થોડા જ દિવસો દૂર છે અને દેશભરના ડ્રાયફ્રૂટ બજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. તહેવારો દરમિયાન ડ્રાયફ્રૂટની માંગમાં પરંપરાગત રીતે વધારો થાય છે — ઘર માટેની ખરીદી સાથે કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પણ તેની મોટી ખરીદી થાય છે.
હાલમાં, ટ્રમ્પના ટેરિફની અસરથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપ થયો છે, જેના કારણે બદામ, પિસ્તા, અખરોટ અને અન્ય નટ્સના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. તેમ છતાં, આયાત પર તેની નકારાત્મક અસર થઈ નથી. આ વર્ષે દિવાળી પહેલાં ડ્રાયફ્રૂટની આયાતમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
બદામ અને કાજુની માંગ તહેવારોમાં ટોચે
ભારતમાં ડ્રાયફ્રૂટની માંગ ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે સૌથી વધુ હોય છે.
આ સમયગાળામાં આયાત પણ વધે છે. ટ્રમ્પના ટેરિફ પછી વૈશ્વિક વેપાર ખર્ચમાં વધારો થયો હોવા છતાં, ભારતના તહેવારોના મહિનાઓમાં આયાતમાં તેજી જોવા મળી છે.
ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના એસોસિયેટ ડિરેક્ટર પારસ જસરાયે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે,
“ભારતમાં તહેવારોના મહિનાઓમાં ડ્રાયફ્રૂટની માંગમાં અચાનક ઉછાળો આવે છે. ઘરો ઉપરાંત કોર્પોરેટ ગિફ્ટિંગ અને લગ્ન સિઝનના ઓર્ડર પણ મોટાપાયે આવે છે.”
આંકડા શું કહે છે?
2024 દરમિયાન ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે ભારતની માસિક બદામ આયાત સરેરાશ $94.4 મિલિયન (રૂ. 785 કરોડ) રહી, જ્યારે આખા વર્ષની સરેરાશ $84.8 મિલિયન (રૂ. 705 કરોડ) હતી.
કાજુ માટે, આ સમયગાળાની આયાત $173.9 મિલિયન (રૂ. 1445 કરોડ) રહી, જ્યારે આખા વર્ષની સરેરાશ $134.8 મિલિયન (રૂ. 1120 કરોડ) હતી.
કિસમિસ અને અખરોટમાં પણ સમાન વૃદ્ધિ જોવા મળી. ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન કિસમિસની માસિક આયાત $8 મિલિયન, અને અખરોટની $11 મિલિયન સુધી પહોંચી હતી.
વેપાર કરારોથી આયાત સરળ બની
નટ્સ એન્ડ ડ્રાયફ્રુટ્સ કાઉન્સિલ (ઇન્ડિયા)ના પ્રમુખ ગુંજન જૈનએ જણાવ્યું કે,
“2025માં કાચા કાજુની આયાત 1.1-1.2 મિલિયન ટનથી વધીને 1.3-1.4 મિલિયન ટન થવાની ધારણા છે.”
સરકારી આંકડા મુજબ, ઓસ્ટ્રેલિયા અને UAE સાથેના વેપાર કરારોને કારણે આયાતમાં વધારો નોંધાયો છે.
ફાયનાન્શિયલ વર્ષ 2025-26 ના એપ્રિલ-જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયાથી બદામની આયાતમાં 93% વધારો, જ્યારે ઓમાન અને સાઉદી અરેબિયાથી સૂકા ખજૂરની આયાતમાં અનુક્રમે 66% અને 25% વધારો થયો છે.
જસરાયના જણાવ્યા અનુસાર,
“તહેવારોની મોસમમાં સ્થાનિક માંગ વધવાથી પુરવઠો સમયસર સંતુલિત ન થઈ શકે, જેના કારણે કિંમતો પર દબાણ આવે છે.”
ફુગાવાના આંકડા પણ આ દિશામાં છે — ઓગસ્ટથી ડિસેમ્બર 2024 દરમિયાન કાજુમાં સરેરાશ 9.4% મોંઘવારી નોંધાઈ, જ્યારે આખા વર્ષની સરેરાશ માત્ર 3.1% હતી.