દિલ્હી પ્રીમિયર લીગમાં એલિમિનેટર મેચમાં વેસ્ટ દિલ્હી લાયન્સ અને સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ વચ્ચેની મેચમાં અરુણ જેટલી સ્ટેડિયમ યુદ્ધનું મેદાન બની ગયું. મેચ દરમિયાન નીતિશ રાણા અને દિગ્વેશ રાઠી બાખડી પડ્યા હતા. દિગ્વેશ રાઠીએ આ ઝઘડોની શરૂઆત કરી હતી, જેને નીતિશ રાણાએ સમાપ્ત કર્યો હતો. DPLએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કર્યો છે. નોંધનીય છે કે, દિગ્વેશ રાઠી IPLમાં અનેક વખતે વિવાદમાં રહ્યો હતો.
નીતિશ રાણા અને રાઠી મેદાનમાં બાખડી પડ્યા
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દિગ્વેશ રાઠી રનઅપ લે છે પરંતુ બોલ ફેંકતો નથી, જેનાથી નીતિશ ઈરિટેટ છે, જ્યારે રાઠી ફરીથી રનઅપ લે છે અને બોલિંગ કરવા આવે છે, ત્યારે આ વખતે નીતિશ પોતાની સ્થિતિથી દૂર ખસી જાય છે. ત્યારબાદ બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થાય છે. એ જ ઓવરમાં, નીતિશ રાણા સિક્સર ફટકારીને રાઠીને યોગ્ય જવાબ આપે છે. નીતિશ પોતાના અંદાજમાં ઉજવણી કરે છે જે રાઠીને પસંદ આવતું નથી અને બંને ખેલાડીઓ મેદાનમાં બાખડી પડે છે.
નીતિશ રાણાની તોફાની સદી
મેચની વાત કરીએ તો, નીતિશ રાણાની તોફાની સદીના આધારે વેસ્ટ દિલ્હી લાયન્સે એલિમિનેટર મેચ 7 વિકેટથી જીતી લીધી. સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે 201 રનનો લક્ષ્યાંક બોર્ડ પર મૂક્યો હતો જેનો પીછો પશ્ચિમ દિલ્હીએ ફક્ત 17.1 ઓવરમાં કર્યો હતો. નીતિશ રાણાએ 55 બોલમાં 8 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી 134 રનની અણનમ ઈનિંગ રમી હતી.