Asia Cup 2025 Timing Change: એશિયા કપ 2025 શરૂ થવામાં હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે, જેમાં એશિયાની 8 ટીમો છે. પરંતુ આ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા એક મોટી અપડેટ સામે આવી છે. એશિયા કપમાં યોજાનારી મેચોના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં આયોજિત થવા જઈ રહી છે. આ મેચો UAE માં સાંજે 6 વાગ્યે શરૂ થવાની હતી. આ સ્થળે દિવસ દરમિયાન ગરમીને કારણે, મેચના સમયમાં હવે અડધો કલાક વધારીને સાંજે 6:30 વાગ્યા કરવામાં આવ્યો છે.
ભારત સમય મુજબ કેટલા વાગે?
આ વખતે એશિયા કપ 2025 T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. આ મેચો ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની હતી. પરંતુ હવે સમયપત્રક આવતાની સાથે, આ સમયમાં અડધો કલાકનો વધારો કરવામાં આવ્યો છે, જેથી ભારતમાં રાત્રે 8 વાગ્યાથી આ મેચો લાઈવ જોઈ મળશે. સપ્ટેમ્બર મહિનામાં, UAE માં તાપમાન 40 ડિગ્રીની આસપાસ હોય છે. ખેલાડીઓને સાંજે ગરમીથી થોડી રાહત મળે તે માટે મેચનો સમય અડધો કલાક વધારવામાં આવ્યો છે. ક્રિકેટ બોર્ડે બ્રોડકાસ્ટર્સને સમય બદલવાની અપીલ કરી હતી, ત્યારબાદ ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
19 માંથી 18 મેચનો સમય બદલાયો
એશિયા કપમાં ફાઇનલ સહિત કુલ 19 મેચ રમાશે, જેમાંથી 18 મેચનો સમય અડધો કલાક વધારવામાં આવ્યો છે. આ બધી 18 મેચ ડે-નાઇટ મેચ છે. 15 સપ્ટેમ્બરે દિવસ દરમિયાન એક મેચ રમાશે, જે યુએઈ અને ઓમાન વચ્ચેની મેચ છે. આ મેચના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.