મણિપુરમાં લાંબા સમયથી પરિસ્થિતિ અસ્થિર છે. મંગળવારે સેનાએ એક મોટું ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન ઉગ્રવાદીઓએ સેના પર ગોળીબાર કર્યો હતો. ત્યારે જવાબી કાર્યવાહીમાં સેનાએ એન્કાઉન્ટરમાં ચાર ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા. સેના અને આસામ રાઇફલ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઓપરેશન વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવા અને નાગરિકોની સુરક્ષા માટે હાથ ધરવામાં આવ્યું હતું. વધુમાં, આસપાસના વિસ્તારોમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
ગુપ્ત માહિતી મળ્યા બાદ સેનાએ આ કાર્યવાહી કરી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન ઉગ્રવાદીઓએ સેના પર ગોળીબાર કર્યો હતો. સેનાએ વહેલી સવારે આ કાર્યવાહી શરૂ કરી હતી. નોંધનીય છે કે UKNA એક નોન-સસ્પેન્શન ઓફ ઓપરેશન (Suspension of Operation) આતંકવાદી સંગઠન છે. છેલ્લા કેટલાક દિવસોમાં, આ સંગઠને અનેક હિંસક ઘટનાઓને અંજામ આપ્યો છે, જેમાં ગામના વડાની હત્યા, સ્થાનિક રહેવાસીઓને ડરાવવા અને વિસ્તારમાં શાંતિ ભંગ કરવાના પ્રયાસો કર્યા છે.
સેના અને આસામ રાઇફલ્સ સાથે મળીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આસામ રાઇફલ્સ પર પહેલા પણ હુમલા થઈ ચૂક્યા છે. ગત સપ્ટેમ્બરમાં, મણિપુરના AFSPA-સીમાંકિત વિસ્તારમાં આતંકવાદના એક નિર્લજ્જ કૃત્યમાં, અજાણ્યા ઉગ્રવાદીઓએ 33 આસામ રાઇફલ્સ યુનિટના વાહન પર હુમલો કર્યો હતો. સેનાએ અહેવાલ આપ્યો હતો કે ઓટોમેટિક હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કરવામાં આવ્યો હતો. બે કર્મચારીઓ માર્યા ગયા હતા અને પાંચ અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને ઇમ્ફાલની રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.





















