Ajit Agarkar Press Conference: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની ODI અને T20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝ માટે ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોહિત શર્માના સ્થાને શુભમન ગિલને ભારતીય ટીમનો કેપ્ટન બનાવમાં આવ્યો છે. રોહિતના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ગિલને ભારતની ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી, અને હવે, રોહિત ટીમમાં હોવા છતાં, શુભમન ગિલને ODI ટીમની પણ કેપ્ટનસી સોંપવામાં આવી છે. આ સાથે, 2027 ODI વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના રમવા અંગે પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. ચીફ સિલેક્ટર અજિત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે મોટું નિવેદન આપ્યું છે.
શું રોહિત શર્મા અને વિરાટ કોહલી ODI વર્લ્ડ કપમાં રમશે?
ઓસ્ટ્રેલિયા સામેની ODI અને T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ, સિલેક્ટર અને પૂર્વ ક્રિકેટર અજિત અગરકરને 2027 ના ODI વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના રમવા વિશે પૂછવામાં આવ્યું હતું. આ પ્રશ્નના જવાબમાં અજિત અગરકરે કહ્યું કે 'રોહિત અને વિરાટ બંને હાલમાં આ વિશે કંઈ કહેવા માંગતા નથી'.
વિરાટ અને રોહિતની નિવૃત્તિ
2024 ના T20I વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20I ફોર્મેટમાંથી રિટાયરમેન્ટની ઘોષણા કરી હતી. ત્યારપછી રોહિતે 7 મેના રોજ ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. અને એના પાંચ દિવસ પછી, 12 મેના રોજ, વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું. જોકે, હજુ સુધી બંને ખેલાડીએ ODI ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ નથી લીધું. BCCI પાસે આગામી ODI વર્લ્ડ કપ અંગે કોઈ અપડેટ નથી.