Rohit Sharma: રોહિત શર્મા પછી ભારતીય વન-ડે ટીમનો આગામી કેપ્ટન કોણ હશે? આ સવાલનો જવાબ અનેક દિગ્ગજ ક્રિકેટરોએ આપ્યો છે, પરંતુ તાજેતરમાં જ પૂર્વ ભારતીય અને IPLના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે.
રોહિત શર્માએ તાજેતરમાં T20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. હવે તે માત્ર વન-ડે ક્રિકેટમાં જ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને હાલમાં તે વન-ડે ટીમના કેપ્ટન પણ છે. આવી પરિસ્થિતિમાં જો તે વન-ડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લે તો તેની જગ્યાએ કેપ્ટન કોણ બનશે તે સવાલ ઉભો થાય છે.
કેપ્ટનશીપની રેસમાં ઘણા નામો ચર્ચાઈ રહ્યા છે, જેમાં શ્રેયસ અય્યર અને શુભમન ગિલના નામ મોખરે છે. જોકે, સુરેશ રૈનાનું માનવું કંઈક અલગ જ છે. તેમણે કહ્યું કે, "મને લાગે છે કે હાર્દિક પંડ્યા જ વ્હાઇટ બોલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે ચમત્કાર કરી શકે છે."
રૈનાએ વધુમાં કહ્યું કે, "હાર્દિકને ફરીથી વન-ડે ટીમનો કેપ્ટન બનાવવો જોઈએ, કારણ કે તેની પાસે કપિલ દેવ જેવી બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ છે. મને લાગે છે કે તેનામાં ક્યાંક ને ક્યાંક મહેન્દ્ર સિંહ ધોનીની ઝલક પણ જોવા મળે છે. જે રીતે હાર્દિક મેદાન પર પોતાની ઊર્જા દર્શાવે છે, તે મને ખૂબ પસંદ છે."
સુરેશ રૈનાનો આ જવાબ હાર્દિક પંડ્યાના ચાહકો માટે ખુશીની વાત છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને સિલેક્ટર્સ આ અંગે શું નિર્ણય લે છે.