Tips To Control Diabetes on Diwali 2025: દેશભરમાં જોરશોરથી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારમાં દરેક ઘરમાં મીઠાઈઓ અને સ્વાદિષ્ટ વાનગીઓ બને છે. જેને લોકો ખૂબ જ સ્વાદ લઈને ખાતા હોય છે. જો કે, ડાયાબિટસના દર્દીઓ આ મજા ન લઈ શકતા હોવાથી નિરાશ જોવા મળતા હોય છે. કારણ કે, ડાયાબિટીસના દર્દીઓએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. તહેવારના ઉત્સાહમાં ડાયાબિટીસના દર્દીઓ મીઠાઈઓ અને અનહેલ્ધી ખોરાક ખાઈ લે છે, જેનાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, ડાયાબિટીસના દર્દીઓએ તહેવારોમાં વધુ સંયમ અને સાવચેતી રાખવી જોઈએ. નહીંતર લેવાના દેવા પડી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓએ દિવાળીમાં શું ખાવું?
નિષ્ણાતના જણાવ્યા મુજબ, ડાયાબિટીસના દર્દીઓએ ફાઈબર અને પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ. દાળ, ચણા, લીલા પાંદડાવાળી શાકભાજી અને નટ્સ ખાવાથી શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. ઓછા ગ્લાયસેમિક ઈન્ડેક્સવાળા ફળો જેવા કે સફરજન, નાસપતી અને સંતરા પણ શુગર લેવલને સ્થિર રાખવામાં ઉપયોગી છે. આ ઉપરાંત, એવોકાડો, ઓલિવ ઓઈલ અને નટ્સમાં મળતા હેલ્ધી ફેટ શુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. જો મીઠાઈ ખાવાનું મન થાય, તો ઘરે બનાવેલી ખાંડ વગરની મીઠાઈ ઓછી માત્રામાં ખાઈ શકાય, પરંતુ તે પણ ત્યારે જ જ્યારે શુગર લેવલ નિયંત્રણમાં હોય.
દિવાળીમાં શું ન ખાવું?
ડાયાબિટીસના દર્દીઓએ મીઠાઈઓ અને તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ. ગુલાબ જાંબુ, જલેબી અને રસગુલ્લા જેવી મીઠાઈઓ બ્લડ શુગર લેવલમાં ઝડપથી વધારો કરી શકે છે. તહેવારોમાં બનતી સાબુદાણાની ખીચડી અને બટાકાની વાનગીઓનું ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઊંચું હોય છે, જે શુગર લેવલને અસર કરી શકે છે. આ ઉપરાંત, ખાંડ અને મધથી બનેલી વસ્તુઓનું સેવન પણ મર્યાદિત કરવું જોઈએ. કોલ્ડ ડ્રિંક્સથી પણ દૂર રહેવું, કારણ કે તે શુગર લેવલમાં ઉછાળો લાવી શકે છે.
શુગર નિયંત્રણ માટે ડૉક્ટરની સલાહ
નિષ્ણાતના જણાવ્યા મુજબ, ડાયાબિટીસના દર્દીઓએ તહેવારોમાં ખાસ સાવચેતી રાખવી જોઈએ. જો શુગર લેવલ ઊંચું હોય, તો મીઠાઈઓથી સંપૂર્ણપણે દૂર રહેવું. તંદુરસ્ત ખોરાકની સાથે નિયમિત શુગર લેવલની તપાસ અને ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી જરૂરી છે. દિવાળીના ઉત્સાહમાં ખાવાપીવામાં સંયમ રાખવાથી ડાયાબિટીસના દર્દીઓ તંદુરસ્ત રહીને તહેવારની ખુશી માણી શકે છે.




















