કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) 2025ની મેચ નંબર-17માં ત્રિનબાગો નાઈટ રાઈડર્સનો સામનો ગુયાના એમેઝોન વોરિયર્સથી થયો હતો. 30 ઓગસ્ટ (શનિવાર)ની તારોબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં ત્રિનબાગો નાઈટ રાઈડર્સે એમેઝોન વોરિયર્સ સામે 6 વિકેટથી જીત હાંસલ કરી હતી. આ મુકાબલામાં અમેઝોન વોરિયર્સના બેટર શાઈ હોપ જે રીતે આઉટ થયો છે, તેને ક્રિકેટની એક રોચક ઘટના ગણવામાં આવી રહી છે.
વાઈડ બોલ પર થયો હીટવિકેટ
શાઈ હોપ ધુઆંધાર બેટિંગ કરી રહ્યો હતો, તે 39 રન બનાવી ચૂક્યો હતો, જેમાં ત્રણ ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. પરંતુ અચાનક તે અજીબ રીતે હિટવિકેટ થયો હતો. તે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં. 15 ઓવરમાં ત્રિનબાગો નાઈટ રાઈડર્સના બોલર ટેરેન્સ હાઈન્ડસે પહેલો બૉલ ઑફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. શાઈ હોપ પહેલાંથી જ રિવર્સ રેમ્પ શૉટ લગાવવા જઈ રહ્યો હતો. પરંતુ બેટિંગ કરતી વખતે શાઈ હોપનું બેલેન્સ બગડ્યું અને બેટનો નીચલો હિસ્સો સ્ટમ્પ સાથે અથડાયો.
વાઈડ બૉલ પર હોપ આઉટ
વાઈડ બૉલ પર હોપ આ રીતે આઉટ થઈ જતાં સૌ કોઈ ચોંકી ગયા હતાં. ત્યારબાદ ગુયાના એમેઝોન વોરિયર્સે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ પર 163 રન બનાવ્યા હતા. ત્રિનબાગો નાઈટ રાઈડર્સના સ્પિનર અકીલ હુસૈને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ટીમના એલેક્સ હેલ્સ (74 રન) અને કૉલિન મુનરો (52 રન)ની દમદાર જોડીએ આક્રમક બેટિંગ કરી હતી. જેમના દમ પર ત્રિનબાગો નાઈટ રાઈડર્સે 17.2 ઓવરમાં જ 164 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. એમેઝોન વોરિયર્સના કેપ્ટન ઈમરાન તાહિરે 27 રનમાં ચાર વિકેટ ઝડપી લીધી હતી. પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહીં.