ODI World Cup 2027: સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે ભેગા મળીને 2027 ODI વર્લ્ડ કપનું આયોજન કરશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત આ પાંચ ભારતીય ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં રમે તેની શક્યતા ખૂબ ઓછી છે. શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા પ્રવાસથી શરૂ થતી ODI ટીમની કેપ્ટનશીપ પણ કરશે, કારણ કે, તે ટેસ્ટ કેપ્ટન પણ છે. સિલેક્ટર્સ 2027 ODI વર્લ્ડ કપ માટે શુભમન ગિલને કેપ્ટન તરીકે વિચારી રહ્યા છે, અને તેને મેચ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ODI 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે.
વિરાટ કોહલીવિરાટ કોહલી ગયા વર્ષે T20I ક્રિકેટમાંથી અને આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે તે ફક્ત ODI ફોર્મેટમાં જ રમે છે. તે આગામી 19 ઓક્ટોબરે પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં મેદાન પર જોવા મળશે. 2027 ના વર્લ્ડ કપ સુધીમાં કોહલી 38-39 વર્ષનો થઈ જશે. જોકે તે હજુ પણ એકદમ ફિટ છે, ત્યાં સુધી તેના રમવાની શક્યતા અનિશ્ચિત છે. મીડિયા રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલીને વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે કહેવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેનું પ્રદર્શન તેનું ભવિષ્ય નક્કી કરી શકે છે.
રોહિત શર્મામીડિયા રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલીની જેમ, રોહિત શર્માને પણ વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે કહેવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા તેને ODI કેપ્ટનમાંથી દૂર કરવામાં આવ્યો હતો, અને તે ફક્ત ODI ફોર્મેટમાં જ રમે છે. રોહિત શર્મા ટેસ્ટ અને T20I માંથી નિવૃત્તિ લીધી છે. રોહિત શર્માની ફિટનેસ અંગે વારંવાર પ્રશ્નો ઉભા થાય છે. 2027 વર્લ્ડ કપ સુધીમાં તે 40 વર્ષનો થઈ જશે. તેનું ભવિષ્ય ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેના પ્રદર્શન પર નિર્ભર હોઈ શકે છે.
મોહમ્મદ શમીફાસ્ટ બોલર મોહમ્મદ શમી 2027 વર્લ્ડ કપ સુધીમાં 37 વર્ષનો થઈ જશે, પરંતુ તેની ઈજાએ તેના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા કર્યા છે. શમી, જસપ્રીત બુમરાહ સાથે, લાંબા સમયથી ટીમ ઈન્ડિયા માટે મુખ્ય બોલર રહ્યો છે, પરંતુ ઈજાઓને કારણે તે ઘણા પ્રવાસોથી દૂર રહ્યો છે. BCCI એ તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ પસંદ કર્યો નથી; તે રણજી ટ્રોફીમાં રમશે. શમીએ કહ્યું છે કે, તે આગામી વર્લ્ડ કપમાં રમવા ઈચ્છે છે, પરંતુ મેનેજમેન્ટ નવા ફાસ્ટ બોલરો તૈયાર કરી રહ્યું છે.
રવીન્દ્ર જાડેજારવિન્દ્ર જાડેજાની ફિટનેસ ઉત્તમ છે, અને તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. જોકે, વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ, તેણે 2024 વર્લ્ડ કપ પછી T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. જાડેજા ઓસ્ટ્રેલિયામાં આગામી ODI સીરિઝનો ભાગ નથી, તેથી જ એવું કહેવામાં આવી રહ્યું છે કે, સિલેક્ટર્સ હવે વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
ઋષભ પંતઋષભ પંત એક વિસ્ફોટક બેટ્સમેન છે, પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી ઇજાઓ સામે લડી રહ્યો છે. આ જ કારણસર તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો નથી. જ્યારે ઋષભ પંત હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં પહેલી પસંદગી છે, ત્યારે તેને વ્હાઇટ-બોલ ક્રિકેટમાં પહેલી પસંદગી માનવામાં આવતો નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI સીરિઝ માટે ધ્રુવ જુરેલ અને કે. એલ રાહુલને વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. કે. એલ રાહુલને વિકેટકીપિંગ કરવાનું કહેવામાં આવી શકે છે, પરંતુ જો ધ્રુવ જૂરેલને ટીમમાં સ્થાન મળે છે, તો ઋષભ પંતનું ODI ટીમમાં સ્થાન મુશ્કેલ બનશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટમાં ધ્રુવ જૂરેલે તેની વિકેટકીપિંગથી પ્રભાવિત કર્યા છે.