ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ અને વનડે કેપ્ટન રોહિત શર્મા સહિત ભારતીય ક્રિકેટરોએ બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે આયોજિત પ્રી-સીઝન યો-યો ટેસ્ટ (ફિટનેસ ટેસ્ટ) પાસ કરી છે. શુભમન ગિલ અને તેના સાથી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને જીતેશ શર્મા પણ ફિટનેસ માપદંડ પર ખરા ઉતર્યા છે.
શુભમન ગિલે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો
પંજાબના આ 25 વર્ષીય બેટર શુભમન ગિલ એશિયા કપ (Asia Cup 2025 T20) T20 ટુર્નામેન્ટ માટે વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ટીમ ટૂંક સમયમાં નવમી સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપ માટે દુબઈ રવાના થશે. શુભમન ગિલ માટે ફિટનેસ ટેસ્ટ ફરજિયાત બન્યો કારણ કે તેને તાવને કારણે દુલીપ ટ્રોફીમાંથી બહાર રહેવું પડ્યું હતું, જ્યાં તેને ઉત્તર ઝોનનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, અને તે છેલ્લા કેટલાક દિવસોથી તેના વતનમાં આરામ કરી રહ્યો હતો.
રોહિત શર્માએ પણ યો-યો ટેસ્ટ પાસ કર્યો!
જયસ્વાલ અને વોશિંગ્ટન એશિયા કપ માટે સ્ટેન્ડબાય યાદીમાં છે, જ્યારે શાર્દુલ ચોથી સપ્ટેમ્બરથી સેન્ટ્રલ ઝોન સામે દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં વેસ્ટ ઝોનનું નેતૃત્વ કરશે. ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા પછી રોહિત પર કાર્યભાર નથી, પરંતુ આ સિનિયર બેટર નવેમ્બરમાં ODI સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા જાય તેવી શક્યતા છે અને તે પહેલાં તે 30મી સપ્ટેમ્બર, ત્રીજી અને પાંચમી ઓક્ટોબરે કાનપુરમાં ઓસ્ટ્રેલિયા A સામે ભારત A માટે ત્રણ ODI મેચ પણ રમી શકે છે. આ વાતની પુષ્ટિ હજુ બાકી છે પરંતુ રોહિત સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે તાલીમ માટે વધુ દિવસો રોકાવાની શક્યતા છે.