ભારતમાં ઇલેક્ટ્રિક વાહન બજાર ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને ગ્રાહકોમાં ઈવી કાર્સ પ્રત્યે વધતી રસને ધ્યાનમાં રાખીને ઓટો કંપનીઓ પણ નવી ટેક્નોલોજી સાથેના મોડલ લોન્ચ કરવા તૈયાર છે. સુઝુકી મોટર કોર્પોરેશન આગામી જાપાન મોબિલિટી શો 2025માં પોતાના અનેક નવા ઇલેક્ટ્રિક આઈડિયાઝ રજૂ કરશે, જેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી કાર છે “વિઝન e-Sky” જેને વેગનઆરનું ઇલેક્ટ્રિક સંસ્કરણ માનવામાં આવી રહ્યું છે.
આ ઇલેક્ટ્રિક કાર સુઝુકીના પોર્ટફોલિયોમાં અત્યાર સુધીની સૌથી કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક હેચબેક હશે.
ડિઝાઇન અને બહારનો લુક
વિઝન e-Skyમાં ફ્યૂચરિસ્ટિક ડિઝાઇન અપનાવવામાં આવી છે. તેમાં પિક્સેલ-સ્ટાઇલ લાઇટિંગ અને સી-આકારની LED DRL સાથેનું નવું ફ્રન્ટ ફેસિયા છે. ગ્રિલને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે જેથી કારને વધુ ઇલેક્ટ્રિક લુક મળે.
ફ્લેટ બમ્પર અને સ્મૂથ બોડી લાઈન્સ સાથે, આ કારની પ્રોફાઇલ વધુ પ્રીમિયમ લાગે છે. બાજુ તરફ રિટ્રેક્ટેબલ ડોર હેન્ડલ્સ, નવા ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ અને બ્લેક કલરના A અને B પિલર્સ આપેલી છે. પાછળના ભાગે સી-આકારની ટેલલાઇટ્સ, પહોળી વિન્ડસ્ક્રીન અને સ્પોર્ટી છત કારને આધુનિક ફિનિશ આપે છે.
ઇન્ટિરિયર અને ફીચર્સ
કારની કેબિન મિરર થીમ પર આધારિત છે. તેમાં ડેશબોર્ડ અને સેન્ટ્રલ કન્સોલમાં રિફ્લેક્ટિવ ફિનિશનો ઉપયોગ થયો છે.
આ કારમાં બે મોટી 12 ઇંચની સ્ક્રીન્સ આપવામાં આવી છે. એક ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે અને બીજી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તરીકે.
વધુમાં, ડેશબોર્ડ અને ડોર પેનલમાં એંબિયન્ટ લાઈટિંગ, ફ્લોટિંગ કન્સોલ પર વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, અને આધુનિક 3-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ ઉપલબ્ધ હશે. ટ્રે-સ્ટાઇલ ડેશબોર્ડ વધુ સ્ટોરેજ સ્પેસ આપે છે, જે શહેરી ગ્રાહકો માટે ઉપયોગી બની રહેશે.
બેટરી અને રેન્જ
સુઝુકી અનુસાર, આ નવી ઇલેક્ટ્રિક વેગનઆર એક વખત ચાર્જિંગ પછી 270 કિલોમીટરથી વધુ રેન્જ આપશે. આથી તે શહેરી અને દૈનિક ડ્રાઈવિંગ માટે એક પ્રેક્ટિકલ વિકલ્પ બની શકે છે.