ઇન્દોરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ મહારાજા યશવંત હોસ્પિટલ (M. Y. હોસ્પિટલ) માં નર્સિંગ સ્ટાફ અને ડોકટરોની ઘોર બેદરકારી સામે આવી છે. ઉંદરોએ બે નવજાત શિશુઓના હાથ કરડ્યા હતા, જેના કારણે મંગળવારે એકનું મોત થયું હતું. બીજા નવજાત શિશુની સારવાર ચાલી રહી છે. તો હોસ્પિટલ મેનેજમેન્ટે નવજાત શિશુના મૃત્યુ માટે અન્ય કારણ આગળ ધરી રહ્યા છે.
હોસ્પિટલનું કહેવું છે કે નવજાત શિશુનું મૃત્યુ ઉંદર કરડવાથી નહીં, પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે થયું હતું. તેમનું કહેવું છે કે નવજાત શિશુનું વજન 1.2 કિલો હતું. બાળકમાં હિમોગ્લોબિન પણ ઓછું હતું, સર્જિકલ સંબંધિત સમસ્યાઓ પણ હતી. માહિતી અનુસાર, આ નવજાત શિશુના સંબંધીઓ પણ તેને છોડીને જતા રહ્યા હતા.
મેડિકલ કોલેજના ડીને કાર્યવાહી કરી
આ કેસમાં, મેડિકલ કોલેજના ડીન ઘનઘોરિયાએ મંગળવારે તાત્કાલિક કાર્યવાહી કરી. તેમણે નર્સિંગ ઓફિસર આકાંક્ષા બેન્જામિન, શ્વેતા ચૌહાણને સસ્પેન્ડ કર્યા છે. સહાયક ઇન્ચાર્જ નર્સિંગ ઓફિસર કલાવતી બલાવીને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે. PICU નર્સિંગ ઓફિસર પ્રવીણા સિંહ અને ઇન્ચાર્જ ડો. મનોજ જોશી અને પ્રોફેસર પીડિયાટ્રિક્સ સર્જરી વિભાગને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટને પણ હટાવવામાં આવ્યા છે.
આ સાથે, MY હોસ્પિટલના નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ માર્ગારેટ જોસેફને હટાવવામાં આવ્યા છે. તેમના સ્થાને, નર્સિંગ ઓફિસર સિસ્ટર દયાવતી દયાલને સુપરિન્ટેન્ડેન્ટ બનાવવામાં આવ્યા છે. ICU ઇન્ચાર્જ અને પીડિયાટ્રિક્સ સર્જરીના આસિસ્ટન્ટ ઇન્ચાર્જને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
આ ઉપરાંત, ડીન ઘનઘોરિયાએ એજાઇલ કંપની પર એક લાખનો દંડ ફટકાર્યો છે અને તેને ચેતવણી આપી છે. MY હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. અશોક યાદવને પણ તાત્કાલિક પેસ્ટ કંટ્રોલ કરવા સૂચના આપવામાં આવી છે. ડીને કહ્યું કે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ બાદ રિપોર્ટ રજૂ કરવામાં આવશે, ત્યારબાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.
