ચીનના તિયાનજિન શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકને ભારત-ચીન સંબંધોમાં નવી દિશા આપનારી મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.
પીએમ મોદીએ બેઠક દરમિયાન જણાવ્યું કે ગયા વર્ષે કાઝાનમાં થયેલી ચર્ચા બાદ બંને દેશોના સંબંધોમાં સકારાત્મક દિશા મળી છે. સરહદ પરથી સૈનિકો પાછા ખેંચાયા બાદ હવે શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ જોવા મળે છે. મોદીએ વધુમાં કહ્યું કે ભારત અને ચીન પરસ્પર વિશ્વાસ સાથે આગળ વધશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ રહી છે, જ્યારે કૈલાશ માનસરોવર યાત્રા પણ ફરી શરૂ થઈ ગઈ છે. તેમણે ભાર મૂક્યો કે ભારત અને ચીનના 2.8 અબજ લોકોના હિત બંને દેશોના સહયોગ સાથે જોડાયેલા છે, જે માનવતાના કલ્યાણનો માર્ગ મોકળો કરશે.
આ પ્રસંગે મોદીએ ચીન દ્વારા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની સફળ અધ્યક્ષતા બદલ શી જિનપિંગને અભિનંદન પાઠવ્યા હતા. બેઠક બાદ બંને દેશોના સંબંધોને આગળ વધારવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.