વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીમાં યશોભૂમિ (ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર) ખાતે યોજાઈ રહેલા સેમિકોન ઇન્ડિયા 2025ના બીજા દિવસે હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સેમિકન્ડક્ટર ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી અને ટેકનોલોજીમાંથી બનેલા પ્રોજેક્ટ્સ અને પ્રોડ્કટસ્ નું નિરીક્ષણ કર્યું હતું.
મંગળવારે, કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતી વખતે, પીએમ મોદીએ કહ્યું હતું કે વિશ્વ ભારત પર વિશ્વાસ કરે છે અને ભારત સાથે મળીને સેમિકન્ડક્ટરનું ભવિષ્ય બનાવવા માંગે છે. આ પ્રસંગે, તેમણે ચિપ્સને 21મી સદીનો "ડિજિટલ ડાયમંડ" ગણાવ્યો.
1.5 લાખ કરોડ રૂપિયાના રોકાણથી આ ક્ષેત્ર મજબૂત બનશે
વડાપ્રધાનએ કહ્યું કે વૈશ્વિક સેમિકન્ડક્ટર બજાર પહેલાથી જ $600 બિલિયન સુધી પહોંચી ગયું છે અને આગામી વર્ષોમાં તે $1 ટ્રિલિયનને પાર કરશે. તેમનું માનવું છે કે ભારત આ ક્ષેત્રમાં જે ગતિએ આગળ વધી રહ્યું છે, તે ગતિએ ભારત આ $1 ટ્રિલિયન બજારમાં મોટો હિસ્સો ધરાવશે.
પીએમ મોદીએ યાદ અપાવ્યું કે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ 2021 માં શરૂ કરવામાં આવ્યો હતો. 2023 સુધીમાં, ભારતના પહેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી હતી, 2024 માં ઘણા વધુ પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી હતી અને 2025 માં 5 નવા પ્રોજેક્ટ્સને પણ લીલી ઝંડી આપવામાં આવી હતી. હાલમાં, દેશમાં 10 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે, જેમાં 18 અબજ ડોલરથી વધુ એટલે કે 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ભારતમાં વધતા વૈશ્વિક વિશ્વાસનો પુરાવો છે. આ ક્ષેત્રમાં ગતિનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું, "ફાઇલથી ફેક્ટરી સુધીનો સમય જેટલો ઓછો અને કાગળકામ ઓછું થશે, તેટલી ઝડપથી ચિપ ઉત્પાદન શરૂ થશે."
