OBC કાર્યકર્તા લક્ષ્મણ હાકેએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકારને મરાઠાઓને 'કુણબી' જાતિ પ્રમાણપત્ર આપવાની માંગણી સ્વીકારવાનો કોઈ અધિકાર નથી. તેમણે ચેતવણી આપી છે કે OBC સમુદાય આ નિર્ણય સામે રસ્તા પર ઉતરશે. કેબિનેટ મંત્રી છગન ભુજબળ પહેલાથી જ રાજ્ય સરકારના નિર્ણય પર પોતાની નારાજગી નોંધાવી ચૂક્યા છે. હાકે OBC જૂથ હેઠળ મરાઠાઓને અનામત આપવાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, નેતાઓએ સ્પષ્ટ કરવું જોઈએ કે શું તેઓ OBC અનામત ઘટાડવા માંગે છે. તેમણે અગાઉ મનોજ જરંગેની મરાઠાઓને OBC શ્રેણી હેઠળ અનામત આપવાની માંગણી સામે આંદોલન કર્યું હતું.
મહારાષ્ટ્રમાં ફરી વિરોધ!
દેવેન્દ્ર ફડણવીસ સરકારે મરાઠાઓને 'કુણબી' જાતિ પ્રમાણપત્ર આપવા સહિતની મોટાભાગની માંગણીઓ સ્વીકાર્યા બાદ અનામત કાર્યકર્તા મનોજએ મંગળવારે સાંજે મુંબઈમાં પોતાના પાંચ દિવસના ઉપવાસનો અંત આણ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે મંગળવારે મરાઠા સમુદાયના સભ્યોને તેમના કુણબી વારસાના ઐતિહાસિક પુરાવા સાથે કુણબી જાતિ પ્રમાણપત્રો આપવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી. કુણબીઓ રાજ્યમાં એક પરંપરાગત ખેડૂત સમુદાય છે અને તેમને નોકરીઓ અને શિક્ષણમાં સરકારી અનામત માટે લાયક બનાવવા માટે મહારાષ્ટ્રમાં OBC શ્રેણીની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
OBC કાર્યકર્તા લક્ષ્મણ હાકેએ શું કહ્યું?
સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગ દ્વારા જારી કરાયેલા સરકારી આદેશ (GR)માં હૈદરાબાદ ગેઝેટના અમલીકરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. GR અને વંશાવળી દસ્તાવેજો સાથે લાયક મરાઠાઓને 'કુણબી' જાતિ પ્રમાણપત્રો પ્રદાન કરવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, હાકે દાવો કર્યો હતો કે સરકારને અનામત અંગે આવો GR જારી કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે દાવો કર્યો હતો કે ગેઝેટમાં ઉલ્લેખ નથી કે મરાઠા સામાજિક રીતે પછાત છે અને તેમને અનામત આપવી જોઈએ.