India vs West Indies, 2nd Test Day 4 Stumps: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની બીજી અને અંતિમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ચોથા દિવસનો અંત થઈ ગયો છે. ભારતે પોતાની બીજી ઇનિંગમાં 1 વિકેટ ગુમાવીને 63 રન બનાવ્યા છે. ભારત હવે જીતથી માત્ર 58 રન દૂર છે. સાઈ સુદર્શન 30 રન બનાવીને અને કે. એલ રાહુલ 25 રન બનાવીને નોટઆઉટ છે. વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે 121 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
રન ચેઝમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ
વેસ્ટ ઇન્ડીઝે પોતાની બીજી ઇનિંગમાં 390 રન બનાવ્યા હતા. ભારતે પોતાની પહેલી ઇનિંગ 518/5 પર ડિકલેર કરી હતી. ત્યાર પછી, વેસ્ટ ઇન્ડીઝે પોતાની પહેલી ઇનિંગમાં 248 રન બનાવ્યા હતા. ભારતે પહેલી ઇનિંગમાં 270 રનની લીડ મેળવી હતી અને ફોલો-ઓન લાગુ કર્યો હતો. ટીમ ઇન્ડિયાએ અમદાવાદમાં સીરિઝની પહેલી ટેસ્ટ એક ઇનિંગ અને 140 રનથી જીતી હતી. આનો અર્થ એ થયો કે, શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝમાં 1-0 થી આગળ છે. રન ચેઝમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર યશસ્વી જયસ્વાલને જોમેલ વોરિકન દ્વારા 8 રન બનાવીને આઉટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કે. એલ રાહુલ અને સાઈ સુદર્શને નોટઆઉટ અડધી સદીની ભાગીદારી ઉમેરીને ભારતને જીતની નજીક પહોંચાડ્યું.
વેસ્ટ ઈન્ડિઝનો બીજો દાવ આ પ્રકારે રહ્યો
ફોલો-ઓન વેસ્ટ ઈન્ડિઝે તેની બીજી ઇનિંગમાં તેજનારાયણ ચંદ્રપોલ 10 રનમાં અને એલિક એથાનાસે 7 રનમાં વિકેટ ગુમાવી દીધી. 35 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ, જોન કેમ્પબેલ અને શાઈ હોપે ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી સાથે વિન્ડીઝને મેચમાં જીવિત રાખી. કેમ્પબેલ તેની ટેસ્ટ કારકિર્દીનો શ્રેષ્ઠ સ્કોર કરવામાં સફળ રહ્યો. શાઈ હોપ પણ લાંબા સમય પછી ટેસ્ટ ક્રિકેટમાં સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો.
જોન કેમ્પબેલ અને શાઈ હોપની ભાગીદારી
મેચના ચોથા દિવસના પહેલા સત્રમાં જોન કેમ્પબેલ અને શાઈ હોપની શાનદાર શરૂઆત રહી. કેમ્પબેલે રવિન્દ્ર જાડેજાની બોલ પર સિક્સ ફટકારીને પોતાની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી. કેમ્પબેલે 199 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગા અને 3 છગ્ગા સહિત 115 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજાએ કેમ્પબેલને LBW આઉટ કરીને ભાગીદારી તોડી. કેમ્પબેલ અને હોપે ત્રીજી વિકેટ માટે 177 રનની ભાગીદારી કરી.
ટેસ્ટ કારકિર્દીમાં 8 વર્ષ પછી ફટકારી સેંચુરી
જોન કેમ્પબેલના આઉટ થયા પછી, કેપ્ટન રોસ્ટન ચેઝે જવાબદારી સંભાળી અને ચોથી વિકેટ માટે 59 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી દરમિયાન, હોપે પોતાની કારકિર્દીની ત્રીજી સદી પૂર્ણ કરી. હોપે આઠ વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં સદી હાંસલ કરી. હોપને મોહમ્મદ સિરાજે બોલ્ડ કર્યો. હોપે 214 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગા અને 2 છગ્ગા સહિત 103 રન બનાવ્યા.
ભારતીય ટીમની મેચમાં વાપસી
શાઈ હોપના આઉટ થયા પછી, ભારતીય બોલરોએ વાપસી કરી. કુલદીપ યાદવે ટેવિન ઈમલાચને 12 રનમાં, રોસ્ટન ચેઝને 40 રનમાં અને ખારી પિયરને 0 રનમાં આઉટ કર્યા. ત્યાર પછી, જસપ્રીત બુમરાહે જોમેલ વોરિકનને 3 રનમાં અને એન્ડરસન ફિલિપ 2 રનમાં આઉટ કર્યો. 311 રન પર 9 વિકેટ પડ્યા પછી, જસ્ટિન ગ્રીવ્સ અને જેડેન સીલ્સે ભારતીય ટીમ માટે ઘણી મુશ્કેલી ઉભી કરી. તેમણે છેલ્લી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી. ગ્રીવ્સે નોટઆઉટ 50 અને સીલ્સે 32 રન બનાવ્યા.