IND vs SA 2nd Test: ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. નિયમિત કેપ્ટન શુભમન ગિલ ગરદનના દુખાવાને કારણે બહાર થતાં વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. આ સાથે જ પંત એમએસ ધોની પછી ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કરનાર બીજા વિકેટકીપર બની ગયા છે.
ટોસમાં પંતનું મોટું નિવેદન
ટોસ હાર્યા બાદ પંતે કહ્યું, “આ મારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. કોઈપણ ખેલાડી માટે પોતાના દેશની કેપ્ટનશીપ કરવી એ સ્વપ્ન જેવું હોય છે. મને આ તક આપવા બદલ હું BCCIનો આભાર માનું છું. હું આ તકનો સંપૂર્ણ લાભ લઈશ અને ટીમ તરીકે અમે અમારી રમતને વધુ સારી બનાવવા સતત મહેનત કરી રહ્યા છીએ.”તેમણે વિકેટ વિશે કહ્યું, “આ વિકેટ બેટિંગ માટે ખૂબ સારી લાગે છે, પરંતુ પહેલા બોલિંગ કરવી પણ ખરાબ વિકલ્પ નથી.
શુભમન ગિલની ઈજા અંગે અપડેટ
શુભમન ગિલની ફિટનેસ વિશે પૂછતાં પંતે જણાવ્યું, “શુભમન ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. તે આ મેચ રમવા ખૂબ ઉત્સુક હતા, પરંતુ તેનું શરીર સાથ આપી રહ્યું ન હતું. અમને પૂરો વિશ્વાસ છે કે તે ખૂબ જ જલ્દી ફિટ થઈને મેદાન પર પરત ફરશે.“
પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર
ગિલ અને અક્ષર પટેલની ગેરહાજરીમાં ટીમમાં બે નવા ચહેરા જોવા મળ્યા
સાઈ સુદર્શન
નીતિશ કુમાર રેડ્ડી
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. હવે બધાની નજર ઋષભ પંતની આગેવાની હેઠળ ભારતીય ટીમ કેવું પ્રદર્શન કરે છે તેના પર રહેશે.




















