South Africa's lethal fast bowler has been ruled out of the second Test: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બર, શનિવારથી ગુવાહાટીમાં રમાશે. શુભમન ગિલ ઈજાને કારણે બહાર થઈ ગયો હોવાથી બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચમાં ઋષભ પંત ટીમનું નેતૃત્વ કરશે. જોકે, ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે કારણ કે, મુલાકાતી ટીમનો એક ખતરનાક બોલર પણ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ટેમ્બા બાવુમાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.
કાગીસો રબાડા ગુવાહાટી ટેસ્ટમાંથી બહાર
છેલ્લા ઘણા દિવસોથી, કાગીસો રબાડા ગુવાહાટીમાં બીજી ટેસ્ટ રમશે કે, કેમ તે અંગે પ્રશ્ન હતો. કોલકાતા ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ દરમિયાન પાંસળીમાં ઈજા થવાને કારણે તે પહેલી ટેસ્ટ ગુમાવી હતી. હવે, ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમાએ પુષ્ટિ આપી છે કે, કાગીસો રબાડા બીજી ટેસ્ટ પણ નહીં રમે. આ સાઉથ આફ્રિકાની ટીમ માટે મોટો ફટકો છે, કારણ કે તે હાલમાં વિશ્વના સૌથી ખતરનાક બોલરોમાંનો એક છે.
બાવુમાએ ગુવાહાટીની પિચ વિશે શું કહ્યું?
ટેમ્બા બાવુમા ઈચ્છે છે કે, કેપ્ટન તરીકે ક્યારેય ટેસ્ટ ન હારવાનો તેમનો રેકોર્ડ ગુવાહાટીમાં પણ અકબંધ રહે; તે ડ્રોથી સંતુષ્ટ થશે કારણ કે સાઉથ આફ્રિકા આવી સ્થિતિમાં પણ સીરિઝ જીતી જશે. બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમની પિચ અંગે, બાવુમા માને છે કે, તે એશિયન વિકેટોની લાક્ષણિકતા છે. બેટ્સમેનોને પહેલા બે દિવસ અહીં સહાય મળવાની શક્યતા છે, અને પછી સ્પિનરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી પહેલી ટેસ્ટ હશે
આ બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી પહેલી ટેસ્ટ હશે, જ્યાં પહેલાં ક્યારેય ટેસ્ટ મેચનું આયોજન થયું નથી. અહીં બાવુમાને કેપ્ટન તરીકે પોતાના 1000 ટેસ્ટ રન પૂરા કરવાની સુવર્ણ તક પણ હશે. બાવુમાએ કેપ્ટન તરીકે 11 ટેસ્ટ મેચની 19 ઇનિંગ્સમાં 969 રન બનાવ્યા છે. તેમને 1,000 રન પૂરા કરવા માટે ફક્ત 31 રનની જરૂર છે અને તેઓ સારા ફોર્મમાં દેખાઈ રહ્યા છે. કોલકાતામાં અડધી સદી ફટકારનાર તે એકમાત્ર બેટ્સમેન હતા.




















