Shubman Gill left Team India and came to Mumbai: ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી 2 મેચની ટેસ્ટ સીરિઝની બીજી અને અંતિમ મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. રિપોર્ટ અનુસાર, કેપ્ટન શુભમન ગિલ ગુવાહાટીની ટેસ્ટ મેચમાં ભાગ લેશે નહીં. અને તે હાલમાં મુંબઈ આવી ગયા છે. શુભમન ગિલને કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ઇજા થઇ હતી, જેના કારણે તે પહેલી ઇનિંગમાં રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું અને બીજી ઇનિંગમાં બેટિંગ કરી ન હતી. 19 નવેમ્બરના રોજ અપડેટ આપતા, BCCI એ કહ્યું હતું કે, ગિલ ટીમ સાથે ગુવાહાટી જશે, પરંતુ તેની ઈજાના આધારે તેના રમવાનો નિર્ણય પછીથી લેવામાં આવશે.
શું શુભમન ગિલ CoE માં જશે?
મીડિયાના અહેવાલ મુજબ, શુભમન ગિલને ગુવાહાટી ટેસ્ટ પહેલા ટીમમાંથી રજા આપવામાં આવી છે, અને તે શુક્રવારે મુંબઈ જવા રવાના થયો છે. આ યુવા ખેલાડી 19 નવેમ્બરે ટીમ સાથે પ્રવાસ કર્યો હતો પરંતુ 20 નવેમ્બરે તાલીમ માટે રિપોર્ટ કર્યો ન હતો. એવું માનવામાં આવે છે કે, તે આગામી બે થી ત્રણ દિવસ મુંબઈમાં આરામ કરશે અને પછી ડૉ. દિનશા પારડીવાલાની નિષ્ણાત સલાહ લેશે. હાલમાં, BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ની મુલાકાત લેવાની કોઈ યોજના નથી, અને આગામી દિવસોમાં વધુ સ્પષ્ટતાની અપેક્ષા છે.
શું સાઈ સુદર્શન ટીમમાં આવશે?
શુભમન ગિલની ગેરહાજરીમાં, ઋષભ પંત બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. પંત ટીમનો ઉપ-કેપ્ટન છે. ગિલ ઘાયલ થયા પછી તેને પહેલી ટેસ્ટમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું, જોકે ભારત તે મેચ 30 રનથી હારી ગયું હતું. શુભમન ગિલને ગુવાહાટી ટેસ્ટમાંથી બાકાત રાખવાથી પ્લેઇંગ ઇલેવનમાં નોંધપાત્ર ફેરફારો થઈ શકે છે. સાઈ સુદર્શન તેમનું સ્થાન લઈ શકે છે, જ્યારે અક્ષર પટેલની જગ્યાએ નીતિશ કુમાર રેડ્ડીને સ્થાન મળી શકે છે.




















