ઓવલ ટેસ્ટમાં ધૂઆંધાર બોલિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનને હંફાવનારા ભારતીય ખેલાડી મોહમ્મદ સિરાજ આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ બન્યો છે. ઓગસ્ટમાં બંને ઈનિંગમાં 21.11ની એવરેજ પર નવ વિકેટ ઝડપી લેનારા સિરાજે ટેસ્ટમાં ભારતને જીત અપાવવાની સાથે મેચ ડ્રો કરવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. ફાઈનલ ટેસ્ટમાં તેણે 5 વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડની સામે કુલ 23 વિકેટ ઝડપી હતી
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ એન્ડરસન તેંદુલકર ટ્રોફીમાં સિરાજે ઉમદા બોલિંગ સાથે ભારતીય ટીમને જીત બે મેચમાં જીત અપાવી હતી. કુલ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં તેણે 185.3 ઓવર બોલિંગ કરી હતી. જેમાં 23 વિકેટ ઝડપી હતી. સિરાજે પહેલી ઈનિંગમાં ચાર, બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. ઓવલ ટેસ્ટમાં 2-2થી મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. જેમાં તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
સિરાજે કર્યો આભાર વ્યક્ત
સિરાજે આ બહુમાન બદલ સોશિયલ મીડિયા પોસ્ટ કરી આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે, 'મને ગર્વ છે કે હું કેટલાક મહત્વપૂર્ણ સ્પેલ સાથે યોગદાન આપી શક્યો, ખાસ કરીને નિર્ણાયક ક્ષણોમાં. ઘરઆંગણાની પરિસ્થિતિમાં ટોચની બેટિંગ લાઇનઅપ સામે બોલિંગ કરવી પડકારજનક હતી, પરંતુ તેના કારણે મારી શ્રેષ્ઠતા બહાર આવી. આ એવોર્ડ મારા સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો પણ તેટલો જ છે જેટલો મારો છે, કારણ કે તેમના સતત પ્રોત્સાહન અને વિશ્વાસે મને આગળ વધવામાં મદદ કરી. હું અથાગ પરિશ્રમ સાથે આગળ વધતો રહીશ. દર વખતે જ્યારે હું ટીમ ઈન્ડિયાની ટીશર્ટ પહેરીશ, ત્યારે મારું શ્રેષ્ઠ આપીશ.'