Sameer Shukla, New Jersey, USA: અમેરિકાના અનેક રાજ્યોમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. પરંતુ New jersey રાજ્યમાં આવેલા વુડબ્રીજ સેન્ટર મોલમાં ગણેશ મહોત્સવનો મહિમા કંઈક અનેરો છે.
આ છે ન્યુ જર્સીનો પ્રખ્યાત વુડબ્રીજ સેન્ટર મોલ. લગભગ 5 હજાર સ્કેર ફૂટમાં બનાવેલા પંડાલમાં 22 ફૂટ ઊંચી ગણેશજીની મૂર્તિની પૂજા થઈ રહી છે. ગણેશ ભગવાનની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેને તૈયાર કરતા ત્રણ મહિના જેટલો સમય લાગ્યો. ગણેશ ભગવાનની મૂર્તિ બનાવવા માટે કલકત્તાથી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા.
ગણેશ મહોત્સવનું આયોજન સ્થાનિક ભારતીય સંગઠનો જેવા કે Hindu American Temple and Cultural Center (HATCC) દ્વારા કરવામાં આવ્યું. દર વર્ષે આ જ રીતે ગણેશ ચતુર્થીના મહોત્સવ દરમિયાન ભગવાન ગણેશના સાનિધ્યમાં હજારો ભારતીયો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે, અને પૂજા અર્ચના કરે છે. છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 7000 જેટલા શ્રદ્ધાળુઓ અમેરિકાના અલગ અલગ રાજ્યોમાંથી દર્શન કરવા માટે આવ્યા.
વુડબ્રીજ સેન્ટર એ ન્યૂજર્સીના વુડબ્રીજ ટાઉનશીપમાં આવેલું એક મોટું શોપિંગ મોલ છે, આ વિસ્તારમાં અનેક ભારતીયો વર્ષોથી રહે છે.વૂડ બ્રીજ મોલના ઓપન એરિયામાં વિશાળ કાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે. ભારતીયોનો કોઈપણ ધાર્મિક કે સામાજિક કાર્યક્રમ હોય ત્યારે તેનું આયોજન વિશેષ રીતે વિવિધ ગુજરાતી સંગઠનો દ્વારા કરવામાં આવે છે.