દિલ્હી હાઈકોર્ટે સેનામાં ભરતી માટે પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અલગ-અલગ જગ્યાઓ નક્કી કરવાનું ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે. કોર્ટે વાયુસેનાને નિર્દેશ આપ્યો છે કે પુરુષ ઉમેદવારો માટે ખાલી રહેલી જગ્યાઓ પર લાયક મહિલા ઉમેદવારોની નિમણૂક કરવામાં આવે.
જસ્ટિસ સી. હરિશંકર અને ઓમ પ્રકાશ શુક્લાની બેન્ચે સ્પષ્ટ કર્યું કે 17 મે, 2023ના UPSCના જાહેરનામામાં દર્શાવેલી 90 જગ્યાઓ (મહિલાઓ માટે અલગ રાખેલી 2 સિવાય) ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત ગણાવી શકાતી નથી. આ બધી જગ્યાઓ પુરુષ અને મહિલા બંને માટે ખુલ્લી હતી.
લાયક ઉમેદવારો હોવા છતાં 20 જગ્યાઓ ખાલી
કોર્ટે આદેશ આપ્યો કે જો મહિલા ઉમેદવારોએ તમામ પરીક્ષાઓ પાસ કરી છે અને જરૂરી પ્રમાણપત્રો ધરાવે છે, તો ખાલી રહેલી 20 જગ્યાઓ ભરવી જરૂરી છે. ખાલી રાખવી યોગ્ય નથી. આ ચુકાદો 25 ઓગસ્ટે આપવામાં આવ્યો હતો. બેન્ચે યાદ અપાવ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કોઈપણ જાહેરનામું કે સૂચના લિંગના આધારે ભેદભાવ રાખીને લાગુ કરી શકાતું નથી.
ક્યાંથી શરૂ થયો વિવાદ?
અરજદાર અર્ચનાની તરફથી એડવોકેટ સાહિલ મોંગિયાએ દલીલ કરી હતી કે 92 જગ્યાઓમાંથી ફક્ત 2 જગ્યાઓ જ મહિલા ઉમેદવારો માટે અનામત હતી, એનો અર્થ એ નથી કે બાકી 90 જગ્યા પુરુષો માટે જ અનામત હતી. આ જગ્યા પણ મહિલા ઉમેદવારો માટે ખુલ્લી ગણવી જોઈએ.