બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારના 80 વર્ષ નિમિત્તે ચીનની રાજધાની બેઇજિંગમાં લશ્કરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ચીન 3 સપ્ટેમ્બરે વિજય દિવસ ઉજવે છે. આ પ્રસંગે એક પરેડ યોજવામાં આવે છે અને રાષ્ટ્રપતિ સલામી લે છે. આ સાથે, વિશ્વને તેની શક્તિ પણ બતાવવામાં આવે છે. 3 સપ્ટેમ્બરે એક પરેડ પણ યોજાઈ હતી, જેમાં શી જિનપિંગ સાથે વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉન પણ સહભાગી બન્યા હતા. પરેડ દરમિયાન શી જિનપિંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વિના તેમને યોગ્ય જવાબ આપ્યો હતો.
શી જિનપિંગે પોતાના સંબોધનમાં કહ્યું કે ચીન કોઈની ધમકીઓથી ડરવાનું નથી, આ દેશ હંમેશા આગળ વધતો રહેશે. ટ્રમ્પનું નામ લીધા વિના તેમણે આગળ કહ્યું કે માણસો એક જ ગ્રહ પર રહે છે, આપણે સાથે મળીને કામ કરવું જોઈએ અને શાંતિથી રહેવું જોઈએ. તેમણે કહ્યું કે દુનિયાએ જંગલ રાજમાં પાછા ન ફરવું જોઈએ, જ્યાં મોટા દેશો નાના અને નબળા દેશોને ધમકાવતા અને દાદાગીરી કરતાં હતા.
જિનપિંગે કહ્યું કે આજે વિશ્વ ફરી એકવાર શાંતિ કે યુદ્ધ, સંવાદ કે મુકાબલાનો વિકલ્પ અપનાવી રહ્યું છે. ચીન ઇતિહાસ અને માનવ પ્રગતિના સાચા પક્ષે મજબૂતીથી ઊભું રહેશે. તેમણે કહ્યું કે ચીન માનવજાત માટે સહિયારા ભવિષ્ય સાથે એક સમુદાય બનાવવા માટે વિશ્વ સાથે હાથ મિલાવશે.