પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) હેઠળ 21મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો છે. આ હપ્તો ખાસ કરીને પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ખેડૂતો માટે જારી કરાયો, જેઓ તાજેતરના પૂર, ભારે વરસાદ અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોથી પ્રભાવિત થયા છે.
₹540 કરોડથી વધુ રકમ
કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવી દિલ્હીના કૃષિ ભવનથી આ હપ્તાનું વિતરણ કર્યું. આ યોજના હેઠળ ₹540 કરોડથી વધુ રકમ 27 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવી છે. આ રાશિ આપત્તિગ્રસ્ત ખેડૂતોને આર્થિક રાહત પૂરી પાડવા માટે ટ્રાન્સફર કરાઈ છે.
ત્રણ રાજ્યોમાં ખેડૂતોને સહાય
પંજાબ: 11 લાખ ખેડૂતોને ₹221 કરોડ
ઉત્તરાખંડ: 7 લાખ ખેડૂતોને ₹157 કરોડ
હિમાચલ પ્રદેશ: 8 લાખ ખેડૂતોને ₹160 કરોડ
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આપત્તિગ્રસ્ત ખેડૂતોની સાથે ખડેપગે ઉભી છે. પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા હેઠળ ₹540 કરોડથી વધુની રકમ 27 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાઈ છે.
મનરેગા હેઠળ 150 દિવસની રોજગારી
આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ નુકસાન પામેલા ઘરોનું પુનર્નિર્માણ કરાશે અને મનરેગા હેઠળ 150 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવશે." મંત્રીએ આપત્તિગ્રસ્ત રાજ્યોના નાગરિકોને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર તેમની સાથે છે અને આ મુશ્કેલ સમયમાંથી બહાર લાવવા માટે પૂર્ણ સમર્થન આપશે.