પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં બલુચિસ્તાન નેશનલ પાર્ટી (BNP) દ્વારા યોજાયેલી રેલી દરમિયાન થયેલા વિસ્ફોટમાં 14 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોમાંથી અનેકની હાલત ગંભીર હોવાનું સ્થાનિક મીડિયા ધી એક્સપ્રેસ ટ્રિબ્યુનએ જણાવ્યું છે.
માહિતી અનુસાર, આ રેલી સરદાર આતા ઉલ્લાહ મંગલની ચોથી પુણ્યતિથિના અવસરે યોજાઈ હતી. રેલી પૂર્ણ થતાં અને લોકો વિખરાતા સમયે જ આ વિસ્ફોટ થયો હતો.
બલુચિસ્તાનના આરોગ્ય મંત્રી મુહમ્મદ કાકરબખ્તે જણાવ્યું કે હુમલો વાસ્તવમાં બી.એન.પી.ના નેતા અખ્તર મેંગલ અને તેમના કાફલા પર કર્યો હતો. તેમ છતાં, મેંગલ બચી ગયા હતા કારણ કે હુમલા સમયે તેમનું વાહન આગળ નીકળી ગયું હતું.
બી.એન.પી.ના પ્રવક્તા સાજિદ તારીનના જણાવ્યા મુજબ, 13 લોકોનાં મોત ઘટનાસ્થળે જ થયા હતા જ્યારે એક ઘાયલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસના પ્રાથમિક અંદાજ અનુસાર, હુમલો માત્ર હેન્ડ ગ્રેનેડથી નહીં પરંતુ ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વડે પણ થયો હોવાની શક્યતા છે.
અખ્તર મેંગલે સોશ્યલ મીડિયા X પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ સલામત છે, પરંતુ કાર્યકરોના મોતથી ખૂબ દુઃખી છે. તેમના જણાવ્યા અનુસાર, મળતા પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે હુમલાખોર આત્મઘાતી હતો. તેમણે આ સાથે કહ્યું કે હુમલાના પ્રેરકો કોણ છે તે હજી જાણી શકાયું નથી, પરંતુ શહબાઝ સરકાર પર શંકા થવી સહજ છે.