કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજસ્થાનના બાલોત્રા અને આજુબાજુના વિસ્તારોમાં દાડમના પાકને અસર કરતા 'ટિકરી' રોગ સહિત વિવિધ રોગોની ગંભીર સમસ્યા પર ધ્યાન આપ્યું છે. આ માટે તેમણે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. મંત્રીએ ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ના મહાનિર્દેશકને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા સૂચના આપી છે. આ ટીમ રોગના ફેલાવાના કારણો શોધશે, હાલની રોગ નિયંત્રણ વ્યવસ્થાની સમીક્ષા કરશે અને ખેડૂતો દ્વારા અપનાવવામાં આવતી ખેતી પદ્ધતિઓનો અભ્યાસ કરશે.
યોજનાનો ઉદ્દેશ
શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું કે વૈજ્ઞાનિક ટીમના અહેવાલના આધારે એક વ્યાપક યોજના તૈયાર થશે, જેમાં કાપણી, રોગ નિયંત્રણ, ખાતર અને જંતુનાશકોનો સંતુલિત ઉપયોગ તેમજ આધુનિક બાગાયતી પદ્ધતિઓનો સમાવેશ થશે. આ યોજનાનો ઉદ્દેશ પાકના સ્વાસ્થ્યને પુનઃસ્થાપિત કરવા અને રોગના પુનરાવર્તનને રોકવાનો છે. ખેડૂતોને ટેકનિકલ સહાય અને તાલીમ આપવાની ખાતરી પણ મંત્રીએ આપી છે, જેથી દાડમની ગુણવત્તા અને રોગ વ્યવસ્થાપનમાં સુધારો થાય.
વૈજ્ઞાનિક ટીમો
આ માટે ICAR-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરિડ હોર્ટિકલ્ચર (CIAH), બિકાનેર;
ICAR-નેશનલ રિસર્ચ સેન્ટર ફોર પોમેગ્રેનેટ (NRC), સોલાપુર;
સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CAZRI), જોધપુર અને સંબંધિત કૃષિ યુનિવર્સિટીઓના નિષ્ણાતો માર્ગદર્શન આપશે.
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ સમસ્યાનો ઉકેલ કેન્દ્ર અને રાજ્યના કૃષિ-બાગાયતી વિભાગો, સંશોધન સંસ્થાઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના સંયુક્ત પ્રયાસોથી જ શક્ય બનશે. સરકાર ખેડૂતોની સમસ્યાઓનો વૈજ્ઞાનિક અને ઝડપી ઉકેલ લાવવા પ્રતિબદ્ધ છે, જેથી ખેડૂતોની ઉત્પાદકતા અને આવકમાં વધારો થાય.