Insurance Cover: સહકારના સિદ્ધાંતો પર ચાલતી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે ખેડૂતો અને ખેતમજૂરોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. બેંકના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના નેતૃત્વમાં લેવામાં આવેલ આ નિર્ણય હેઠળ હવે ખેડૂત સાથે ખેતમજૂરોને પણ અકસ્માત વીમા કવચની સુવિધા મળશે અને વીમા રકમમાં પણ મહત્વપૂર્ણ વધારો કરવામાં આવ્યો છે.
વીમા કવચ 3 લાખથી વધીને 5 લાખ રૂપિયા-
હવે સુધી કૃષિ આધારિત વિમાઓના લાભથી માત્ર ખેડૂત જ આવરી લેવાતા હતા. પરંતુ હવે ખેતમજૂરોને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. પહેલા અકસ્માત વિમાની રકમ 3 લાખ રૂપિયા હતી, જેને વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણયથી હજારો ખેડૂત અને મજૂર પરિવારોને આર્થિક સુરક્ષા મળશે.
ખાસ મહત્વની બાબતો:
વિમાની રકમમાં 2 લાખ રૂપિયાનો વધારો
ખેતમજૂરો અને તેમના પરિવારજનોએ પણ યોજનામાં સમાવેશ
અમરેલી જિલ્લામાં વસતા કૃષિ સાથે સંકળાયેલા શ્રમજીવીઓ માટે આ યોજના મોટું સહારું બની રહેશે
"સહકારથી સમૃદ્ધિ"ના દ્રષ્ટિકોણ સાથે પગલાં-
આ પહેલ માત્ર બેંકીય સહાય નહીં, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "સહકારથી સમૃદ્ધિ"ના સંકલ્પની સાકારતા તરફ એક મજબૂત પગલું છે. ચેરમેન સંઘાણીએ જણાવ્યું હતું કે, “કૃષિ અને મજૂર વર્ગ દેશની અર્થવ્યવસ્થાનું આધારે છે. તેમના માટે આર્થિક સુરક્ષા આપવી એ અમારું સામાજિક ફરજ પણ છે.”
સહકારી ક્ષેત્ર માટે પ્રેરણાદાયક પહેલ-
આ નિર્ણય અમરેલી જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશના સહકારી ક્ષેત્ર માટે એક મક્કમ દિશા નિર્ધારિત કરે તેમ છે. અન્ય સહકારી બૅંકો માટે પણ આ પહેલ પ્રેરણાસ્પદ બની શકે છે.