કેન્દ્ર સરકારે જૂના વાહનોની પુનઃ નોંધણી (રિન્યુઅલ) માટેની ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ અંગે નવું જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારના જણાવ્યા અનુસાર આ પગલાનો હેતુ 15 વર્ષથી વધુ જૂના વાહનોનો ઉપયોગ ઘટાડવાનો છે અને લોકોને નવા વાહનો અપનાવવા પ્રોત્સાહિત કરવાનું છે.
અત્યાર સુધી ફક્ત 15 વર્ષ સુધીના વાહનોની નોંધણી રિન્યુ થતી હતી. હવે નવા નિયમ મુજબ વાહનોને 20 વર્ષ સુધી રિન્યુ કરાવી શકાય છે. જોકે તેના માટે ભારે ફી ચૂકવવી પડશે.
મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા દર મુજબ, મોટરસાયકલ માટે રૂ. 2,000, ત્રણ પૈડાં કે ક્વાડ્રિસાયકલ માટે રૂ. 5,000, કાર જેવા હળવા મોટર વાહનો માટે રૂ. 10,000, જ્યારે આયાતી ચાર પૈડાં કે તેથી વધુ વાહનો માટે રૂ. 80,000 સુધી ફી વસૂલવામાં આવશે. આ સિવાય અન્ય કેટેગરીના વાહનો માટે પણ ફી નક્કી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ દરોમાં GST સામેલ નથી.
નિયમો મુજબ કોઈપણ વાહન પ્રથમ નોંધણીની તારીખથી મહત્તમ 20 વર્ષ સુધી કાયદેસર રીતે ચલાવી શકાય છે. એટલે કે, 15 વર્ષ બાદ માલિકોને નવી ફી ચૂકવીને ફરીથી નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
આ નિયમો સમગ્ર દેશમાં લાગુ થશે, પરંતુ દિલ્હી-એનસીઆરને છૂટ આપવામાં આવી છે. અહીં પહેલાથી જ જૂના વાહનો પર કડક પ્રતિબંધો લાગુ છે. સરકારનું માનવું છે કે આ પગલું રસ્તાઓ પરથી જૂના અને પ્રદૂષિત વાહનોને દૂર કરવામાં મદદરૂપ બનશે અને પ્રદૂષણ નિયંત્રણ તથા માર્ગ સલામતીમાં સુધારો કરશે.