Press Conference Before The First ODI Match: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં ઇન્ડિયન ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમ સામે 3 ODI અને 5 T20I મેચ રમશે. ODI સીરિઝની પહેલી મેચ રવિવારે 19 ઓક્ટોબરના રોજ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં ભારતીય ટીમના યુવા ODI કેપ્ટન શુભમન ગિલનું ODI કેપ્ટન તરીકે ડેબ્યૂ છે. શુભમન ગિલને ODI ટીમમાં રોહિત શર્માની જગ્યાએ નવો ODI કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલે શું કહ્યું?
શુભમન ગિલ અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શે પ્રથમ વનડે પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન શુભમન ગિલે સ્પષ્ટપણે કહ્યું છે કે, તેને રોહિત શર્મા કે વિરાટ કોહલી સાથે કોઈ મતભેદ નથી. શુભમન ગિલે કહ્યું કે, બહાર ગમે તે થઈ રહ્યું હોય, ટીમની અંદર બધું પહેલા જેવું જ છે. શુભમન ગિલે કહ્યું, 'બહાર શું ચાલી રહ્યું છે, અમારી વચ્ચે કંઈ બદલાયું નથી. બધું પહેલા જેવું જ છે. રોહિત ભાઈ ખૂબ મદદ કરે છે અને પોતાના અનુભવો શેર કરે છે. જો તે કેપ્ટન હોત તો આ વિકેટ પર શું કરત તે અંગે હું તેમની પાસે સૂચનો માંગુ છું. મને બધા ખેલાડીઓના મંતવ્યો જાણવા ગમે છે.'
રોહિત શર્મા અને વિરાટ કોહલી અંગે શુભમન ગિલે શું કહ્યું?
શુભમન ગિલે ખુલાસો કર્યો કે, તે બાળપણથી જ વિરાટ કોહલી અને રોહિત શર્માને આદર્શ માને છે. શુભમન ગિલે કહ્યું, જ્યારે હું નાનો હતો, ત્યારે વિરાટ ભાઈ અને રોહિત ભાઈ મારા આદર્શ હતા. તેમના જેવા મહાન ખેલાડીઓની કેપ્ટનશીપ કરવી અને તેમની પાસેથી શીખવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. શુભમન ગિલે એમ પણ કહ્યું કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશ્વના શ્રેષ્ઠ વ્હાઇટ-બોલ ક્રિકેટર છે અને તેમનો અનુભવ ટીમ માટે અમૂલ્ય છે. શુભમન ગિલે કહ્યું, "વિરાટ કોહલી અને રોહિત શર્માનો અનુભવ અને કૌશલ્ય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારા બંને સાથે ખૂબ સારા સંબંધો છે. હું ઘણીવાર તેમની સલાહ લઉં છું. તેઓ હંમેશા પોતાના વિચારો ખુલ્લેઆમ શેર કરે છે. મને ખાતરી છે કે, આ સીરિઝમાં ઘણી તકો હશે જ્યાં હું તેમની પાસેથી કંઈક શીખી શકું છું. જો હું મારી જાતને મુશ્કેલ પરિસ્થિતિમાં જોઉં, તો હું તેમની સલાહ લેવામાં અચકાઈશ નહીં.
શુભમન ગિલે કેપ્ટનસી અને ટીમના વાતાવરણ અંગે શું કહ્યું?
શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે હાલમાં બે મેચની ટેસ્ટ સીરિઝમાં વેસ્ટ ઇન્ડીઝનો વ્હાઇટવોશ કર્યો હતો. શુભમન ગિલની આ પ્રથમ સીરિઝ હતી એક ટેસ્ટ કેપ્ટન તરીકે જ્યાં તેને સીરિઝમાં જીત મેળવી હતી. આ પહેલા શુભમન ગિલ ઇંગ્લેન્ડમાં પણ ટેસ્ટ કેપ્ટન હતો ત્યાં તેને 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 2-2 થી ડ્રૉ કરી હતી. શુભમને કહ્યું કે, અત્યાર સુધી તેણે મેળવેલો અનુભવ ભવિષ્યમાં તેને મદદ કરશે. શુભમન ગિલે કહ્યું, "તે ખૂબ જ રોમાંચક છે. એમ. એસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોના વારસાને આગળ વધારવો એ મારા માટે ગર્વની વાત છે, મેં અત્યાર સુધી તેમની પાસેથી ઘણું શીખ્યું છે. અમે ઘણી વખત ચર્ચા કરી છે કે, ટીમને કેવી રીતે આગળ લઈ જવી અને કેવા પ્રકારનું વાતાવરણ બનાવવાની જરૂર છે."
મિશેલ માર્શએ શું કહ્યું?
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે જણાવ્યું હતું કે, પર્થનું ઓપ્ટસ સ્ટેડિયમ પ્રથમ વનડે માટે ભરેલું રહેવાની શક્યતા છે. માર્શે કહ્યું, 'અહેવાલ મુજબ, કાલે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો હશે. હાઉસફુલ સ્ટેડિયમમાં ભારત સામે રમવું એ આપણા ખેલાડીઓ માટે એક શાનદાર અનુભવ હશે.'





















