ICC Women's Cricket World Cup 2025: ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ વચ્ચે 30 ઓક્ટોબરે Dr Dy Patil સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત ચોથા સ્થાને રહીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને રહ્યું હતું. ભારત ગ્રુપ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું, તેથી હરમનપ્રીત કૌર અને ભારતીય મહિલા ટીમે સેમિફાઇનલ જીતવા માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.
પ્રતિકા રાવલ મહિલા વર્લ્ડ કપમાંથી બહાર
સેમિફાઇનલ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, ફોર્મમાં ચાલી રહેલી ઓપનર પ્રતિકા રાવલ મહિલા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. 26 ઓક્ટોબર (રવિવાર) ના રોજ બાંગ્લાદેશ સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે પ્રતિકા રાવલને ઘૂંટણ અને પગની એડીમાં ઈજા થઈ હતી. આ ઘટના પહેલી ઇનિંગ દરમિયાન બની હતી જ્યારે તે બોલ રોકવાનો પ્રયાસ કરી રહી હતી. પછીથી વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી.
સ્મૃતિ મંધાના સાથે કોણ ઓપનિંગ કરશે?
હવે પ્રશ્ન એ છે કે, પ્રતિકા રાવલના બહાર થયા પછી સેમિફાઇનલમાં સ્મૃતિ મંધાના સાથે કોણ ઓપનિંગ કરશે? અમનજોત કૌરે બાંગ્લાદેશ સામે ઓપનિંગ કરી. ભારતીય ટીમ નોકઆઉટ મેચોમાં અમનજોત કૌરને અજમાવશે કે નહીં તે જોવાનું બાકી છે. અમનજોત ઓપનિંગ કરે તેવી શક્યતા ઓછી છે, કારણ કે તે નીચલા-મધ્યમ ક્રમમાં રમે છે. બાંગ્લાદેશ સામેની મેચમાં કઈ ખાસ ન હતું, તેથી ભારતીય ટીમે તેને ઓપનિંગમાં મોકલી હતી.
આ ત્રણ ખેલાડીઓ દાવેદાર
સેમિફાઇનલમાં સ્મૃતિ મંધાના સાથે હરલીન દેઓલ ઇનિંગની શરૂઆત કરી શકે છે. હરલીન ત્રીજા નંબર પર બેટિંગ કરે છે, અને પહેલા પણ ઘણી વાર પાવરપ્લેમાં બેટિંગ કરી ચૂકી છે. આનો અર્થ એ છે કે, તે નવા બોલનો સામનો કરવામાં આરામદાયક છે. પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજ પણ માને છે કે, હરલીન દેઓલ ઇનિંગની શરૂઆત કરે તે યોગ્ય રહેશે. એક વિકલ્પ ઉમા છેત્રી છે, પરંતુ આ વિકેટકીપર-બેટ્સમેન સેમિફાઇનલમાં રમે તેવી શક્યતા ઓછી છે. નિયમિત વિકેટકીપર રિચા ઘોષ ફિટ થવાની આરે છે અને સંભવતઃ સેમિફાઇનલમાં રમશે. રિચાને બાંગ્લાદેશ સામે આરામ આપવામાં આવ્યો હતો, જેના કારણે ઉમાને તક મળી હતી. લેફટી ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા પણ એક વિકલ્પ છે. દીપ્તિ શર્માએ અગાઉ મહિલા વનડેમાં ભારતીય ટીમ માટે ઇનિંગની શરૂઆત કરી છે. મહિલા વનડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 188 રન છે, જે તેણે આયર્લેન્ડ સામે ઇનિંગની શરૂઆત કરતી વખતે બનાવ્યા હતા.




















