Shreyas Iyer Admitted To ICU: ભારતના ODI વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયર સિડનીની એક હોસ્પિટલમાં દાખલ છે. ત્રીજી ODI માં ફિલ્ડિંગ દરમિયાન કેચ લેતી વખતે શ્રેયસ ઐયર ઘાયલ થયો હતો અને તેને સીધો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શ્રેયસ ઐયર અંગે સ્વાસ્થ્ય અપડેટ બહાર પાડ્યું છે. BCCI તરફથી મળેલી માહિતી અનુસાર, શ્રેયસ ઐયરની હાલત સ્થિર છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, શ્રેયસ ઐયર ક્યારે ટીમ ઈન્ડિયામાં પરત ફરી શકે છે.
શ્રેયસ ઐયર ક્યારે પરત ફરશે?
ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝ 2-1 થી હારી ગઈ. શ્રેયસ ઐયરનો ઓસ્ટ્રેલિયા સામેની T20I ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તેથી, તેને સંપૂર્ણ આરામ મળી શકે છે. ટીમ ઈન્ડિયાની આગામી ODI સીરિઝ દક્ષિણ આફ્રિકા સામે છે, જે 30 નવેમ્બરથી શરૂ થશે. BCCI ના ડોકટરો શ્રેયસ ઐયરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પરંતુ તેમની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને, એવું લાગે છે કે, તેને સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝમાં આરામ આપવામાં આવી શકે છે.
શ્રેયસ ઐયર ન્યુઝીલેન્ડ સામે રમશે
સાઉથ આફ્રિકા સામેની ODI સીરિઝ પછી, ટીમ ઈન્ડિયા 11 જાન્યુઆરી 2026 એ ન્યુઝીલેન્ડ સામે ODI સીરિઝ રમશે. શ્રેયસ ઐયર પાસે હવે અને 11 જાન્યુઆરી વચ્ચે લગભગ 2.5 મહિનાનો સમય છે. આ સમય દરમિયાન, શ્રેયસ ઐયર પોતાની ઈજામાંથી સ્વસ્થ થઈ શકે છે અને ટીમમાં પાછો આવી શકે છે. શ્રેયસ ઐયર ક્યારે સંપૂર્ણપણે ફિટ થશે તે અંગે BCCI એ હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.
શ્રેયસ ઐયર ઘાયલ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વનડેમાં, શ્રેયસ ઐયરે એલેક્સ કેરીનો શાનદાર કેચ પકડ્યો. જોકે, આ કેચથી ભારતીય ખેલાડી ગંભીર રીતે ઘાયલ થયો. શ્રેયસ ઐયરને ડાબી પાંસળીના નીચેના ભાગમાં ઘાયલ થયો છે, જેના કારણે ઈન્ટરનલ બ્લીડિંગ પણ થઈ છે. શ્રેયસ ઐયરની સારવાર ચાલી રહી છે. સિડનીમાં તેમના રોકાણ દરમિયાન ભારતીય ટીમના ડૉક્ટર પણ શ્રેયસ ઐયર સાથે હાજર છે.




















