ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી રોમાંચક મેચમાં ભારતે 9 વિકેટથી વિજય મેળવ્યો હતો. રોહિત શર્માએ 121 રનના અણનમ ઇનિંગ્સ રમી ટીમને જીત અપાવી હતી, જ્યારે વિરાટ કોહલીએ 74 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ ભજવી હતી. તેમ છતાં, રોહિત શર્માના નિવૃત્તિ સંકેત બાદ ભારતીય ક્રિકેટ વર્તુળમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
ક્રિકેટમાં નિવૃત્તિ ફક્ત વ્યક્તિગત નિર્ણય નથી, પરંતુ તે એક સત્તાવાર પ્રક્રિયા સાથે જોડાયેલો પગથિયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પાસે ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરતા પહેલા માહિતી આપવી એ સામાન્ય પરંપરા છે. બોર્ડને અગાઉથી જાણ કરવાથી પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ આગામી ટુર્નામેન્ટ માટે યોગ્ય આયોજન કરી શકે છે. સામાન્ય રીતે ખેલાડીઓ બોર્ડના પ્રમુખ, સચિવ અથવા ચીફ સિલેક્ટર જેવા વરિષ્ઠ અધિકારીઓને માહિતી આપે છે.
સ્થાનિક સ્તરે રમતા ખેલાડીઓએ પણ પોતાની રાજ્ય ક્રિકેટ એસોસિએશનને નિવૃત્તિની જાણ કરવી જરૂરી છે. રણજી ટ્રોફી જેવી સ્થાનિક ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓની નિવૃત્તિ રાજ્ય સંગઠન મારફતે નોંધાય છે જેથી ટીમ પસંદગી દરમિયાન કોઈ ગૂંચવણ ન સર્જાય.
નિવૃત્તિની જાહેરાત માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નક્કી નથી. BCCI અથવા ICC તરફથી ખેલાડીઓને પહેલેથી કેટલા દિવસની સૂચના આપવી એ બાબતે કોઈ સખત નિયમ નથી. કેટલાક ખેલાડીઓ મેચ અથવા ટુર્નામેન્ટ બાદ તરત જ નિવૃત્તિ જાહેર કરે છે, જ્યારે કેટલાક ખેલાડીઓ અગાઉથી જાણ કરીને બોર્ડને આયોજન માટે સમય આપે છે.
વિદેશી ક્રિકેટ બોર્ડના નિયમો વધુ કડક છે. ઉદાહરણ તરીકે, શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને નિવૃત્તિ પહેલાં ઓછામાં ઓછા ત્રણ મહિના પૂર્વે જાણ કરવી ફરજિયાત કરી છે. આ રીતે બોર્ડને નવી ટીમની રચના અને આયોજન માટે પૂરતો સમય મળે છે.
હાલ રોહિત શર્માના નિવૃત્તિ સંકેત બાદ ક્રિકેટપ્રેમીઓમાં ચિંતાનો માહોલ છે. જો કે, તેમણે હજી સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી નથી, પરંતુ તેમના નિવેદન બાદ ચર્ચા તેજ બની છે કે શું આ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંતિમ અધ્યાય સાબિત થશે?




















