PM Mudra Yojana : આજના યુગમાં, લોન લોકોના જીવનની ઘણી જરૂરિયાતો પૂરી કરવાનું સાધન બની ગયું છે. પછી ભલે તે બિઝનેસ શરૂ કરવા માટે હોય કે તેને ફેલાવવા માટે હોય કે પછી કોઈ અન્ય કામ કરવા માટે, લોકો લોનનો સહારો લે છે. પરંતુ મોટી લોન લેવી સરળ નથી કારણ કે આ માટે ગેરંટી, કાગળો અને ઘણી શરતો પૂરી કરવી પડે છે. આ કારણોસર, સરકાર સમયાંતરે વિવિધ યોજનાઓ લાવે છે.
જેથી યુવાનો અને નાના બિઝનેસમેનને મદદ મળી શકે. તાજેતરમાં જ આવી જ એક યોજના વિશે ચર્ચા થઈ છે જેમાં 20 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે. જોકે, આ માટે પહેલા કેટલીક મહત્વપૂર્ણ શરતો પૂરી કરવી પડશે. ત્યારબાદ જ તમે તેનો લાભ લઈ શકશો. ચાલો આ યોજના વિશે જાણીએ..
પીએમ મુદ્રા યોજના હેઠળ મળે છે 20 લાખ રૂપિયાની લોન
પીએમ મુદ્રા યોજના હેઠળ, નાના બિઝનેસમેન અને યુવાનોને લોન લેવાની સુવિધા આપવામાં આવે છે. આ યોજનામાં ત્રણ કેટેગરીઓ બનાવવામાં આવી છે. પહેલી શિશુ યોજના છે, જેમાં 50 હજાર રૂપિયા સુધીની લોન મળે છે. બીજી કિશોર યોજના છે, જેના હેઠળ 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. ત્રીજી તરુણ યોજના છે, જેમાં 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે.
તાજેતરમાં આ યોજનામાં તરુણ પલ્સ શ્રેણી બનાવવામાં આવી છે. જેમાં મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. જોકે, જણાવી દઈએ કે આ યોજના હેઠળ 20 લાખ રૂપિયાની લોન માટે તમારે એક શરત પૂરી કરવી પડશે. ત્યારબાદ જ તમે 20 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશો.
આ શરત પૂરી કરવી આવશ્યક છે
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 20 લાખ રૂપિયા સુધીની લોન મેળવવા માટે એક ખાસ શરત રાખવામાં આવી છે. આ સુવિધા ફક્ત તરુણ પ્લસ કેટેગરીમાં જ આપવામાં આવે છે. આ માટે, તમારે અગાઉ તરુણ કેટેગરી હેઠળ લેવામાં આવેલી 10 લાખ રૂપિયાની લોન સમયસર ચૂકવી હોવી જરૂરી છે.
તો જ તમે 20 લાખ રૂપિયા સુધીની લોન મેળવવા માટે લાયક બનશો. આ શરતનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે લોન લેનાર વ્યક્તિ જવાબદારીપૂર્વક લોન ચૂકવે અને તેનો ક્રેડિટ રેકોર્ડ સારો હોય. આનાથી સરકાર અને બેંક બંનેને વિશ્વાસ મળે છે કે નવી લોન પણ સમયસર ચૂકવવામાં આવશે.
કેવી રીતે યોજનામાં અરજી કરવી?
પ્રધાનમંત્રી મુદ્રા યોજના માટે અરજી કરવા માટે, સૌ પ્રથમ તમારે નજીકની બેંક, સરકારી બેંક અથવા માન્ય નાણાકીય સંસ્થાનો સંપર્ક કરવો પડશે. અહીં તમારે યોજના ફોર્મ ભરવાનું રહેશે અને તમારી ઓળખ, સરનામું અને વ્યવસાય સંબંધિત મૂળભૂત માહિતી આપવી પડશે. જો તમે નવો બિઝનેસ શરૂ કરી રહ્યા છો, તો તમારે એક નાનો પ્રોજેક્ટ રિપોર્ટ પણ જોડવો પડી શકે છે. બેંક તમારા દસ્તાવેજો અને અરજીની તપાસ કર્યા પછી લોન મંજૂર કરે છે. સમગ્ર પ્રોસેસ ઑફલાઇન અને ઑનલાઇન બંને રીતે પૂર્ણ કરી શકાય છે.